મોરબીની હતભાગી હોનારતના મૃતાત્માઓના માનમાં બુધવારે રાજ્ય વ્યાપી શોક વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપે પણ ભોલાવ ખાતે શોકસભા યોજી હતી.

વડાપ્રધાને આજે મોરબીના મૃતકો પ્રત્યે સંવેદના સાથે શ્રદ્ધાંજલિ અર્પવા રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પાલિકાના દરેક વોર્ડ અને ગામે ગામ શોક સભા મૃતકોને અંજલિ આપવા યોજાઈ હતી.

ભોલાવ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા ભાજપની શોકસભામાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના નાયબ દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મંત્રી નિશાંતભાઈ મોદી, દિનેશભાઇ આહીર સહિત આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અત્યંત દુઃખદ અને ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને ઈશ્વર આ મૃતાત્માઓને તેમના ચરણમાં સ્થાન આપે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ઘેરા શોકની લાગણી વચ્ચે આ પરિવારો ને કુદરત આઘાતમાંથી બહાર નીકળવા શક્તિ અર્પે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી. અને આ દુઃખની ઘડીમાં જે લોકો હજી સારવારગ્રસ્ત છે તેઓ જલ્દી સાજા થાય તે માટે પણ પ્રાર્થના કરી શોકસભાનું સમાપન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here