The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 99

સરભાણ અને વાતરસાનાં માટીચોરો સામે કરેલ કાર્યવાહીનો અભિપ્રાય માંગતા વિકાસ કમિશનર

આમોદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની મહેરબાનીથી માટીચોરી કરી બેફામ બનેલા માટી ચોરો સામે કાર્યવાહી કરવા ગાંધીનગર વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પાસે કેવી કાર્યવાહી કરી છે તેનો સ્પષ્ટ અભિપ્રાય આપવા આદેશ કરતાં ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આમોદ તાલુકના સરભાણ તેમજ વાતારસા ગામે થયેલી લાખો મેટ્રીક ટન ગેરકાયદેસર માટી ચોરી સામે જે તે ગામના જાગૃત નાગરિકોએ ગાંધીનગર વિકાસ કમિશનર પાસે રૂબરૂ પહોંચી  માટી કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.જે બાબતે ગાંધીનગર વિકાસ કમિશનરે સરભાણ ગામે ગામ તળાવ,તલાવડી તેમજ ગૌચરની જમીનમાં થયેલા ગેરકાયદે માટી ખનન બાબતે સરભાણ ગામના તત્કાલિન ડેપ્યુટી સરપંચ તથા હાલના તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યોને બરતરફ  કરવાની માંગ કરી હતી.જેના અનુસંધા વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીને સ્વયં સ્પષ્ટ અભિપ્રાય દિન ૧૦ માં આપવા જણાવ્યું હતું.તેમજ સરભાણ ગામે ગામ તળાવ,તલાવડી તેમજ ગૌચરની જમીનમાં થયેલા ગેરકાયદે માટી ખનન બાબતે ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? બિન અધિકૃત માટી ખનન બાબતે પોલીસ ફરિયાદ થયા બાદ આગળ શું તપાસ થઈ? પોલીસ ફરિયાદ નામજોગ ના નોંધાવના કારણો? સહિતનો જિલ્લા વિકાસ અધિકારીનો સ્પષ્ટ અભિપ્રાય દિન ૧૦ માં મોકલવા વિકાસ કમિશનરે આદેશ કર્યો હતો.

જ્યારે વાતરસા ગામે ગામતળાવ તથા તલાવડીમાંથી માટી ચોરી કરનારા કસૂરદારો ગ્રામ પંચાયતના તત્કાલીન ડેપ્યુટી સરપંચ અને સભ્યને બરતરફ કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા ગામના જાગૃત નાગરિકે વિકાસ કમિશનરને અરજી કરી હતી.જેના અનુસંધાને વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પાસે દિન ૭ માં સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવા આદેશ કર્યો હતો.વાતરસા ગામના ૨૦૧૮ થી ૨૦૨૧ વલી ઇસ્માઇલ ચટી ડેપ્યુટી સરપંચ તથા હરેશ સુરેશભાઇ સોલંકી ગ્રામ પંચાયતના સભ્ય હતાં.જેઓ માટી ચોરી અંગે કસુરદાર હોવા અંગેની ફરિયાદ આપતાં જિલ્લા વિકાસ અધિકારીએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હોવા છતાં હજુ સુધી કેમ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી તેમજ ડેપ્યુટી સરપંચ તથા સભ્ય કેમ બરતરફ કરવામાં આવ્યા નથી તે અંગે દિન ૭ માં અભિપ્રાય માંગ્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચમાં રૂ. 99 હજારના ઘરેણાં તફડંચી, રિક્ષા ચાલક અને મહિલાની કરાઇ ધરપકડ

ભરૂચના રાજ જ્વેલર્સની સામે રિક્ષામાં લિફ્ટ આપી બે મહિલા મુસાફરોને મહિલા સહીત રિક્ષા ચાલકે વાતોમાં ભોળવી સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 99 હજારની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. જેમાં પોલીસે તપાસ હાથ ધરી એક રિક્ષા ચાલક અને એક મહિલાની ધરપકડ કરી હતી.

ભરૂચના નવચોકી હેઠાણાં વિસ્તારમાં રહેતા વિલાસબેન રાજેશ યાદવ અને તેમના ઓળખીતા ભારતીબેન જાદવ નારાયણબાપુના આશ્રમથી બાઈક લઇ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચની આઈ.સી.આઈ.સી. બેંક પાસેથી રાજ જ્વેલર્સની સામે રિક્ષા ચાલકે તેમને બાઈકનું પૈડું હલતું હોવાનું કહી રિક્ષામાં લિફ્ટ આપી હતી.

જે રિક્ષામાં પહેલાથી બે મહિલા મુસાફર હાજર હતી. તે સમયે રિક્ષા ચાલકને રિક્ષામાં સવાર અન્ય મહિલાઓએ શક્તિનાથ કરિયાણું લેવાનું હોવાનું કહી શક્તિનાથ લઇ જતાં એક બાઈક ચાલક બે વાર રિક્ષા પાસે આવતાં રિક્ષા ચાલકે મહિલાઓને આ લૂંટવાની ફિરાકમાં હોવાનું કહી તેમણે પહેરેલા સોનાના ઘરેણાં પાકીટમાં મુકાવી દીધા હતા.

શક્તિનાથ આવતા અંદર સવાર બે મહિલા નીચે ઉતરી હતી અને પોતાનું પર્સ પડી ગયું હોવાનું કહી વિલાસબેન યાદવ અને ભારતીબેનના પાકીટમાં તપાસ કરવા લાગી હતી. તે દરમિયાન તે બંને મહિલાઓ નજર ચૂકવી સોનાના ઘરેણાં મળી કુલ 99 હજારની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગઇ હતી.

આ ચીલઝડપ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ ચીલઝડપ કરી ફરાર થઇ ગયેલા રિક્ષા ચાલક મોહંમદ અસ્પાક મોહંમદ અબ્બાસ શેખ અને શાહીનબેન યાસીન શેખને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં યોજાશે રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, દ્વારા ભરૂચ  જિલ્લામાં  મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોના બલિદાનને લોકો સુધી પોહોચતો કરવાના આશયથી આ ‘વીરાજલિ’ મલ્ટી મીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે.

પોતાના જાનની પરવા કર્યા વગર દેશને આઝાદી પાછળ બલિદાન આપી દેનારા શહિદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તારીખ ૧૧ જૂનના રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાત્રિના ૮ થી ૧૧ વાગ્યા સુધી વીરાંજલી સમિતિ પ્રેરિત “વીરાંજલી” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

‘વીરાંજલિ” ડ્રામાને દિગ્દર્શક વિરલ રાચ્છે કાર્યક્રમની રૂપરેખા આપતા કહ્યું કે દેશભક્તિના ગીતો સાથે રજુ થનાર ગુજરાતનો સૌથી મોટો મલ્ટી મીડિયા શો બનાવાનો છે. ‘વીરાંજલિ’ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલ ડ્રામા છે.

આ કાર્યક્રમના પાસ નિ:શુલ્ક છે.જે દર્શાવેલ વિગતે પાસ મેળવવાની રહેશે.(૧) બ્રેક લાઈનર-ચોકડી ,(૨) I kim ફૂડ કોર્ટ શક્તિનાથ,(૩) કિરણ ઓટો મોબોઈલ ,કોલેજ રોડ,(૪)જવાલેશ્વર મંદિર, જ્યોતીનગર, (૫) સાંઈ મંદીર, ઝાડેશ્વર, (૬)ખારવા પંચની વાડી ,વેજલપુર ભરૂચ(૭) જોગર્સ પાર્ક, અંકલેશ્વર GIDC વગેરે સ્થળે પાસ નિ:શુલ્ક મેળવવાના રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફત..!

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એ પૂર્વે ભાજપમાં શરૂ કરાયેલા કોંગ્રેસના ભરતીમેળામાં હાર્દિક પટેલ બાદ હવે કેટલાંક પાટીદાર MLA ઉપર પણ ફોકસ કરાઇ રહ્યું છે.  રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતા. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.

4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.

તદુપરાંત 182 બેઠક જીતવા માટે ભાજપ હાઈકમાન્ડે શક્ય તમામ બાંધછોડ કરવા પ્રદેશ નેતાઓને છુટ્ટો દોર આપી દીધો છે. પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર ધારાસભ્યો આગામી ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીમાં ભાજપની ટિકિટની ખાત્રી માંગી રહ્યાં હોવાથી અમુક ધારાસભ્યોનો પેચ ફસાયો છે. તો સામે બીજી બાજુ ટિકિટ નહીં લેનાર કોંગ્રેસના ધારાસભ્યને અન્ય રીતે ‘સાચવી’ લેવા માટે પણ ‘ગોઠવણ’ કરવામાં આવી રહી છે.

૩ બાળકો હોવાથી સારોદ તળપદ ગ્રામ પંચાયત વોર્ડ નં 7ના સભ્યનું સભ્ય પદ છીનવાયું.!

ગ્રામપંચાયત સારોદ તળપદના વોર્ડ નંબર સાતના ઝાકીર ઇબ્રાહીમ હોટલવાળાને ત્રણ સંતાનો હોય ગ્રામપંચાયતના સભ્ય પદેથી સભ્યપદ રદ્દ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી એમ જી ચૌધરીએ હુકમ કર્યો છે.

જંબુસર તાલુકાના ડાભા ગ્રામ પંચાયતમા ત્રણ સંતાનો હોવાને લઈ સભ્યપદ રદ કરાયું હોવાના સમાચારની હજી તો શાહી સુકાઈ નથી ત્યાં તો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં  સારોદ ગ્રામ પંચાયત તળપદ વોર્ડ નંબર સાતમાં ઝાકીર ઇબ્રાહીમ હોટલવાળાને  બે બાળકો કરતાં વધુ બાળકો હોય જે અંગે અરજદાર  પટેલ સીરાજ સઇદે રજુઆત કરી હતી.

જેમાં જણાવ્યુ હતુ કે  ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૦૨૧મા  સારોદ તળપદના વોર્ડ નંબર સાત ના સભ્ય તરીકેઝાકીર ઇબ્રાહીમ હોટલવાળા ચૂંટાઈ આવેલ છે અને ચૂંટણી પંચના નિયમોનો અનાદર કરી ઉમેદવારી નોંધાવેલ હતી  જેથી તે ચૂંટાયેલ ઉમેદવાર નું સભ્યપદ રદ કરી તેઓની સામે ચૂંટણીપંચના નિયમો મુજબ  કાર્યવાહી કરવા જણાવેલ અરજીના કામે વિસ્તરણ અધિકારીને તપાસ સોંપી હતી અને બંને પક્ષે જવાબો લેવામાં આવ્યા હતા  અને સાધનિક કાગળો રજૂ થયેલ જન્મના પ્રમાણપત્ર પર નોંધણી કરનાર અધિકારીના સિક્કો તથા કચેરીનો સિક્કો જણાઈ આવેલ અને સક્ષમ અધિકારી દ્વારા નોધાયેલ છે અને તેની સુનાવણી રાખવામાં આવી હતી  જેમાં તમામ વિગતો સાધનિક કાગળો અને રજુઆતને ધ્યાને લેતા  ઝાકીર ઇબ્રાહિમે હોટલવાળા ત્રણ બાળકો ધરાવતા હોવાનું જણાઈ આવતાં  તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર કુમાર જી ચૌધરીએ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સત્તાની રુએ ઝાકીર ઇબ્રાહીમ હોટલવાળાને ગ્રામપંચાયત સારોદ તળપદના વોર્ડ નંબર સાતના સભ્ય તરીકેના હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરેલ છે.જેને લઇ ખોટુ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

હાંસોટની સાનિયા શેખ તુર્કી ખાતે કુસ્તીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે

હાંસોટની સાનિયા શેખે હૈદરાબાદના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી 44 આર્મ રેસ્ટલીંગ સ્પર્ધા માં સિલ્વર મેડલ જીતી છે. તે હવે ઓકટોબર મહિનામાં તુર્કી ખાતે યોજાનારી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. હૈદરાબાદ ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 44 નેશનલ આર્મ રેસ્ટલીંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 24 રાજ્યઁનાં 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતના 40 ખેલાડીઓનો પણ સમાવેશ થતો હતો. સ્પર્ધામાં ગુજરાતે 4 સિલ્વર 4 બ્રોન્ઝ અને 1 ગોલ્ડ મેળવ્યાં છે.

80 કીલો ગ્રામ વુમન્સ કેટેગરી માં હાલ સુરત ખાતે રહેતી અને મૂળ હાંસોટની સાનિયા શેખે સિલ્વર મેડલ જીતી બીજા ક્રમે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વુમન્સ કેટેગરી માં ગુજરાત પ્રથમ વખતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. સાનિયાની હવે તુર્કી ખાતે ઓક્ટોબર 2022 ઇન્ટરનેશનલ આર્મ રેસ્ટલીંગમાં પસંદગી થઇ છે.

આ અગાઉ અમદાવાદ ખાતે યોજાયેલી 34 મી ગુજરાત રાજ્ય આર્મ-રેસ્લિંગ સ્પર્ધાની મહિલા (વુમન) કેટેગરીમાં પણ કુમારી સાનિયા સાદિક શેખ 80 કિલો ગ્રામ ગ્રુપ માં રાઈટ અને લેફ્ટ હેન્ડ બન્ને માં ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે. આ ઉપરાંત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની હતી. અને ત્યાં વિજેતા બન્યા બાદ સાનિયા શેખ ની પસંદગી હૈદરાબાદ ખાતે યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપ માં પસંદગી કરવામાં આવી હતી. હવે વર્લ્ડ રેસ્ટલીંગમાં પસંદગી થતા પરિવારજનો અને હાંસોટ સમાજ માં આનંદ ની લાગણી પ્રસરી છે.

આમોદની એસ.બી.આઈ.બેંકમાં કર્મચારીઓનું ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન!

આમોદ નગરમાં આવેલી રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહકોને કર્મચારીની ધીમી ગતિની કામગીરીથી હાલાકી ભોગવવી પડે છે. જે બાબતે આમોદ નગર તેમજ તાલુકામાં આવેલા અનેક બેંક ખાતેદારોમાં કર્મચારી સામે રોષ ભરાયો છે.આજ રોજ આમોદમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંકમાં સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી.તેમજ બેંકમાં એક જ કેશિયર હોવાથી પણ ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે.

આ બાબતે આમોદ નગરના અનેક જાગૃત નાગરિકોએ બેન્ક મેનેજરને રજુઆત કરી હોવા છતાં કોઈ પરિણામ મળતું નથી.સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એક જ કેશિયર છે.જે ખૂબ જ ધીમી ગતિથી કામગીરી કરતા હોય ગ્રાહકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.તેમજ જો કોઈ ગ્રાહક રજુઆત કરે તો બેન્ક કર્મચારી ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ગ્રાહકો સાથે બીભત્સ ભાષાનો ઉપયોગ કરે છે.

આ બાબતે કરેણાં ગામના ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આમોદમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં કાયમ માટે કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ રહે છે. કેશિયર ઘણી જ ધીમી ગતિથી કામગીરી કરતો હોય બેન્ક ખાતેદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.અને કેશિયર ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. આ બાબતે બેન્ક મેનેજરનો રૂબરૂ સંપર્ક કરતાં તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

  • વિનોદ પરમાર, ન્યુઝલાઇન,આમોદ

આપનું ગુજરાત સંગઠન વિખેરાયું!

ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી 2022 આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ જોરદાર તૈયાર સાથે ઝંપલાવવા જઈ રહી છે. આ કડીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના માળખાને વિખેરી દેવાની જાહેરાત કરી છે. એટલે કે પ્રદેશ પ્રમુખને બાદ કરતા તમામ હોદ્દા રદ કરી દેવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હાર આપની રણનીતિના ભાગરૂપે વર્તમાન માળખાને વિખેરી દેવામાં આવ્યું છે. બહુ ટૂંક સમયમાં નવું માળખું જાહેર કરવામાં આવશે.

ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય ટીમે આ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં હવે નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ અંગે લખવામાં આવ્યું છે કે, “સવિનય સાથ જણાવવાનું કે અરવિંદજીના માર્ગદર્શનથી આજરોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય પ્રદેશ સમિતિ સહિત તમામ સમિતિઓ તથા હોદાઓ બરખાસ્ત/ડિસોલ્વ કરવામાં આવ્યા છે, જેની સૌ સાથીઓએ નોંધ લેવી. નવું માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.”

પરીક્ષા ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓ પાસે ચૂંટણી કાર્ડ ની માહિતી માંગવાનો NSUIએ કર્યો વિરોધ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માં 18 વર્ષથી મોટી ઉંમર ના વિદ્યાર્થીઓ માટે ચૂંટણી કાર્ડ ફરજીયાત બનાવવા સાથે યુનિવર્સિટીની પરીક્ષા તેમજ અન્ય ફોર્મ સાથે અપલોડ કર્યા પછી પરીક્ષા આપી શકશે તેમ જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાતથી વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓને તકલીફમાં મુકાયા છે. આ બાબતે વિદ્યાર્થીઓ માં ઘણો રોષ જોવા મળ્યો છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી પાસે થી પરીક્ષા ફોર્મ ભરવામાં ચૂંટણી કાર્ડ ની માહિતી માંગી રહી છે. જે તદ્દન ખોટી માહિતી માંગવામાં આવી રહી છે. યુનિવર્સિટી દ્વારા આ માહિતી એકત્ર કરવામાં ફક્ત એક રાજકીય પક્ષ ને મદદ કરવાનો એકમાત્ર ઉદ્દેશ છે.

યુનિવર્સિટીનું મુખ્ય ઉદ્દેશ સાચુ, સચોટ અને સરળ શિક્ષણ આપી વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું છે નહીં કે રાજકીય પક્ષો ની મદદ કરવું. વીર નર્મદ યુનિવર્સિટી હર હમશે વિવાદ માં રહે છે અને વિદ્યાર્થીઓ ને તકલીફ માં મૂકે છે. NSUI દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવે છે અને આ નિર્ણય પાછો ખેંચી વિદ્યાર્થીઓના હિત નું કાર્ય કરેની ભરૂચ જિલ્લા NSUI પ્રમુખ યોગી પટેલે માંગ કરી છે.

વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

ગુજરાતના નાગરિકો હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકશે. રાજ્ય સરકારે નિર્ણય લીધો કે, વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા નાગરિકોએ હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIRના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં e-FIR ની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું કે, e-FIR ની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.

બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપશે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં ૨૪ કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે E-Mail અથવા SMSથી જાણ કરવામાં આવશે.

આ ઉપરાંત e-FIR અંગે 120 કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!