The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 59

મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે ઓળખાય છે ભરૂચના સિંધવાઇમા

ભરૂચના સિંધવાઇ માતાજીને મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે માને છે અને મહારાષ્ટ્ર ના નાસિક, જલગાઉં,ત્રંમ્બકેશ્વર,પુણે જેવા અનેક શહેરોના લોકો કુળદેવી તરીકે પણ પૂજે છે.જેઓ નવરાત્રીમાં તેમજ અન્ય પ્રસંગે પણ અચુક અહીંયા દર્શન કરવા આવે છે.આ સિંધવાઇ માતા ભરૂચ શહેરની નગર દેવી તરીકે પણ ઓળખાય છે.

સિંધવાઇ માતાજીનું નવું મંદિર હાલ સિંધવાઇ સોસાયટી ભરૂચ ખાતે આવેલ છે. જ્યાં ગોસ્વામી પરિવાર તેમની ૨૬ મી પેઢીથી આજે માતાજીની સેવા પૂજા કરે છે. આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી માં માતાજીના જવારા નું સ્થાપન કરી પૂજા કરે છે નવરાત્રી ના નવ દિવસો માતાજીને અલગ અલગ શણગાર કરે છે અને નવ અખંડ જ્યોત પ્રજ્વલીત રહે છે.

ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં આવેલ શાક માર્કેટ પાસે સિંધવાઇ માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં પાતાળ કૂવો પણ આવેલો છે. જેમાં વર્ષો પહેલા ગોસ્વામી પેઢીના લોકો ફુરજા બંદરે વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓ ભરૂચમાં રહેતા અને તે વખતે પાંચબતીથી શ્રવણ ચોકડી સુધીનો સમગ્ર વિસ્તાર જાળી ઝાંખડા એટલે કે ઉજ્જડ જગ્યા જેવો હતો અને તે વખતે તોફાનમાં સિંધવાઈ માતાજીની પ્રતિમા ખંડિત ન થાય તે માટે જે તે વખતે શક્તિનાથ નજીક રહેલા એક પાતાળ કુવામાં માતાજીને સંતાડવામાં આવ્યા હતા.

આસો નવરાત્રિમાં હજારો ભક્તો પાતાળ કુવામાં સિંધવાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને એટલા માટે જ પાતાળ કુવા નજીક સિંધવાઈ માતાજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે જેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

સુરત: વડાપ્રધાનની વેશભૂષા ધારી 5 વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત બન્યો સૌના આકર્ષણનું કેન્દ્ર

  • રોડ શોમાં આવેલો સુરતનો આ ટેણીયો મોટો થઈ બનવા માંગે છે પ્રધાનમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરત શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરોડોના ખર્ચના વિકાસકાર્યોની ભેટ સુરતને આપી હતી. આ અવસરે લાખોની જનમેદની નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક નિહાળવા આવી પહોંચી હતી.

સભાસ્થળે વડાપ્રધાનની વેશભૂષા ધારણ કરીને આવેલો પાંચ વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ધો.૧માં અભ્યાસ કરતો ઋષિ તેમની મમ્મી દિપિકાબહેન સાથે વડાપ્રધાનની એક ઝલક નિહાળવા આવ્યો હતો.

અગત્યનું તો એ છે કે, ઋષિ પુરોહિતે જે રીતે શાળામાં બાળકોને A ફોર એપલ શીખવવામાં આવે છે તે રીતે તે ABCD ના તમામ મૂળાક્ષરોને નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં અમલી બનેલી તમામ યોજના, પ્રોજેકટસ, નવતર આયામોને A થી Z સાથે જોડીને કડકડાટ બોલી શકે છે. દા.ત. A ફોર અટલ પેન્શન યોજના, B ફોર બેટી બચાઓ, બેટી પઢાઓ, C ફોર કરપ્શન ફ્રી ઈન્ડિયા, D ફોર ડિજીટલ ઈન્ડિયા, S ફોર સ્વચ્છ ભારત અભિયાન, U ફોર ઉજ્જવલા યોજના, J ફોર જનધન યોજના N ફોર NPS-નેશનલ પેન્શન યોજના, M ફોર મેક ઈન ઈન્ડિયા એમ અંગ્રેજીના તમામ મૂળાક્ષરો સાથે જોડીને કંઠસ્થ કરી લીધા છે.

આટલી નાની ઉંમરે ઋષિ ગજબની યાદશક્તિ ધરાવે છે. એટલું જ નહીં, તે વડાપ્રધાનની ઘણા ભાષણો પણ યાદ કર્યા છે, અને મોદીજીની આગવી અદામાં પણ બોલી શકે છે. મુળ રાજસ્થાનના વતની ઋષિનો પરિવાર સુરત શહેરના પર્વત પાટીયા ખાતે રહે છે. ઋષિના પિતા મહેન્દ્રભાઈ પુરોહિત ઈલેક્ટ્રિક વ્યવસાય સાથે સંકળાયેલા છે. નરેન્દ્રભાઈ મોદીથી પ્રેરણા મેળવીને ઋષિ પુરોહિત મોટો થઈ પ્રધાનમંત્રી બનવા માંગે છે.

દેડીયાપાડા : આશ્રમ શાળા માંથી ગુમ પુત્રનો મળ્યો મૃતદેહ, પિતાએ કરી સંચાલકો સામે પોલીસ ફરિયાદ

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાડવા ગામના રહીશ નો પુત્ર આશ્રમ શાળા માથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતા પિતા એ આશ્રમ શાળા ના સંચાલકો સામે ગુનો દાખલ કરવા ઉમરપાડા પોલીસ મથકે અરજ કરી છે.

અરજદાર રમેશભાઈ શાંતિલાલ વસાવા નાં જણાવ્યા મુજબ વસાવા સંજયભાઈ રમેશભાઈ તેમનો પુત્ર થાય છે અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ધો- ૧૨ માં અભ્યાસ કરતા હતા . તા .૨૫ / ૦૯ / ૨૦૨૨ નારોજ રમેશભાઈ નાં બેન રમણીબેન ભરતભાઇ વસાવાનાઓ મારા પુત્રને મુલાકાત કરવા માટે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ગયેલા અને તેમને જાણ થયેલ કે , મારો પુત્ર તા .૧૯ / ૦૯ / ૨૦૨૨ નારોજ શાળામાંથી ગુમ થયેલ છે, રમણીબેન ભરતભાઇ વસાવાએ ફોનથી ગુમ થવા અંગેની જાણ કરેલી જેથી તેઓ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ગયેલા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, કેવડી ના શિક્ષકોને પૂછપરછ કરતાં શિક્ષકોએ ઉડાવ જવાબ આપેલો અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડીના આચાર્યા તથા શિક્ષકો અને હોસ્ટેલના ગૃહપતિએ તા.૧૯/૦૯/૨૦૨૨ થી ગુમ છે.જેની જાણ રૂબરૂ કે પત્ર તથા ટેલિફોનથી કરવામાં આવેલ નથી.

પુત્ર આટલા સમયથી ગુમ હોવા છતાં વાલીને જાણ કરવામાં આવેલ નથી માટે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે ગયા હતા.ત્યારે તેમને જાણવા મળેલ કે, તા. ૨૨/૦૯/ ૨૦૨૨ ના રોજ એક બિનવારસી લાશ મળેલી જે લાશનો હાલ તો નિકાલ થઈ ગયેલ છે. પરંતુ એ લાશના કપડાં, ચાવી બેલ્ટ સહિતની વસ્તુ બતાવતા એ તમામ મરનાર સંજયના હોવાનું જાણ થતાં તેમના પુત્રને કોઈએ મારી નાખેલ હોવાનું જણાતા આ બાબતે ઉમરપાડા પોલીસમાં કસ્તુરબા સેવાશ્રમ મરોલી નાં સ્ટાફ સામે ગુનો દાખલ કરવા લેખિત અરજી કરી છે.

  • રિપોર્ટર:સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચમાં 45 લાખની બસની ચોરી કરીને ભાગતા ત્રણ પૈકી એક ઝડપાયો

ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગનગરના કોમન પ્લોટ પાસે પાર્ક કરેલ 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતા બસને અકસ્માત નડયો હતો. જેમાં સી ડીવીઝન પોલીસે ત્રણ આરોપીઓ પૈકીના એકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જયરાજ હરીશચંદ્ર કરાડે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ પોતાના ઘરે હતા તે દરમિયાન સી ડીવીઝન પોલીસ ખાતેથી ફોન આવ્યો હતો અને તેઓની લક્ઝરી બસ નંબર-GJ 16 AV 7354ની ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. સાથે બસનું મકતમપુર ડી.ડી.ઓ. બંગ્લોઝ સામે યુ ટર્નના કટ પાસે ડીવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયું હોવાનું કહેતા જ જયરાજ હરીશચંદ્ર કરાડે તાત્કાલિક તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

જેઓને જાણવા મળ્યું હતું કે તેઓની બસનો ચાલક ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગ નગરના કોમન પ્લોટ પાસે લક્ઝરી બસ પાર્ક કરીને પોતાના ઘરે ગયો હતો. દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની બસની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું.સી ડીવીઝન પોલીસે બસની ચોરી કરી ફરાર થઇ રહેલ સિંધોત ગામના મહાદેવ મંદિર ફળિયામાં રહેતો રાહુલ ગોપાલ વસાવાને ઝડપી પાડયો હતો પોલીસે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતા બસની ઉઠાંતરી કરી ચિરાગ ગૌસ્વામી અને નાઝીમ પટેલ શેખ સાથે તે ભાગી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયા બાદ ત્રણેવ ઈસમો ભાગી રહ્યા હતા. દરમિયાન પોલીસે તેને પકડી પાડયો હોવાનું જણાવ્યું હતું.સી ડીવીઝન પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં દિકરીઓની સલામતીના સંકલ્પ સાથે કરાયું ગરબા મહોત્સવનું આયોજન

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગરબા મહોત્સવમાં યુવાધન મનમુકીને ગરબે ઘૂમી રહ્યું છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિક ગરબા મહોત્સવમાં જોડાયા હતા. ત્રીજા દિવસે પોલીસ હેડ ક્વાર્ટરમાં ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ ગરબે ઘૂમી માં જગદંબાની આરાધના કરી હતી. ગરબા મહોત્સવના ત્રીજા દિવસે પોલીસ વડા ડો. લીના પાટીલ , DYSP હેડ ક્વાર્ટર જે એસ નાયક અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ સહીત પોલીસ અધિકારીઓ ગરબા ગ્રાઉન્ડ ઉપર નજરે પડ્યા હતા.

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી જાણે ઠપ્પ થઇ ગયેલા જનજીવનમાં ફરી એકવાર ગતિ આવી છે. ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ લોકો હવે નવલા નોરતા માટે ગુજ્જુઓ સજ્જ બન્યા છે. નવરાત્રીમાં રાતે દીકરીઓ ગરબા મહોત્સવમાં જતી હોવાથી  વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવે છે. દીકરીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી સ્થિત પોલીસ હેડક્વાટરના વિશાળ મેદાનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નવતર આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ ડીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કરાયા સૂત્રોચ્ચાર

આજ રોજ ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ભરૂચ પાંચબત્તી ડીવિઝન કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ સૂત્રોચ્ચાર સાથે માંગણીઓ કરી હતી.

જેમાં ભરૂચ ડી.જી.વી.સી.એલ.ના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી લેખીતમા માંગણી કરી હતી કે શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના કર્મચારીઓ અને એકમોમાં વર્ગ ત્રણ મુજબ ભરતી કરવામાં આવે છે. તે મુજબ વર્ગ ત્રણ માં કર્મચારીઓનો સમાવેશ કરી તેમના ધારા ધોરણ મુજબના લાભો આપવામાં આવે,સાતમા પગાર પંચ મુજબ ટેકનીકલ કર્મચારીઓને ચૂકવવામાં આવતા ભથ્થાઓમાં જે વિસંગતતાઓ છે તેને દૂર કરવામાં આવે તેમજ જીવના જોખમે અદ્રશ્ય વીજ પ્રવાહ સાથે કામગીરી કરતા હોય જેના માટે રિસ્ક એલાઉન્સનો લાભ આપવામાં આવે.

સાથે કેન્દ્ર સરકારની ભલામણ મુજબ સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે,બીજો અને ચોથા શનિવારની રજાનો લાભ આપવામાં આવે,તેમજ આઠ કલાકથી વધુ કામગીરી કરવામાં આવે ત્યારે ઓવર ટાઈમનો લાભ આપવામાં આવે,અને નિવૃત્તિ બાદ મેડિકલ સુવિધાઓનો લાભ મળે જેવી વિવિધ માંગણીઓનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.સાથે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

ભરૂચમાં સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષે કર્યો હોબાળો

ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં અંધારપટ વચ્ચે નવી લાઈટોની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા છે. ત્યારે પાલિકા કચેરી ખાતે વિપક્ષના નેતા સહિત નગર સેવકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

ભરૂચ શહેરમાં નગર પાલિકા તંત્ર દ્વારા લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ કેટલાક વિસ્તારમાં બંધ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે પાલિકા દ્વારા નવી લાઈટોની ખરીદી કરવામાં આવી હતી. આ લાઈટો રૂપિયા 825ને બદલે 1250માં ખરીદી તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમો ઉઠતા જ તંત્ર દ્વારા તાબડતોડ લાઈટો ઉતારી લેવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજરોજ વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ, નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના નગર સેવકોએ લાઈટ કમિટી ચેરમેનની કેબિનમાં પ્રવેશ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.ભરૂચ શહેરમાં લાઈટો બંધ હોવાના બનાવો તેમજ ઘોળે દિવસે લાઇટો ચાલુ હોવાના બનાવો બન્યા છે. જેને લઇ લાઈટ વિભાગ ખાડામાં ગયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા.

તો બીજી તરફ પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ શહેરમાં લાઈટોને લઇ 750 ઉપરાંતની ફરિયાદની કમ્પ્લેઇન સોલ્વ કરી હોવા સાથે નગર પાલિકામાં ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાના વિપક્ષના આક્ષેપોને નકારી ટેન્ડર પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે. સાથે જે ફરિયાદ કરવામાં આવી છે જેમાં તપાસ કરી દોષિત જણાશે તેવા કર્મીઓ સામે પગલા ભરવાની ખાતરી આપી હતી. તેમજ જ્યાં લાઈટો લગાવવાની બાકી છે ત્યાં કામગીરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

વાલિયાથી નેત્રંગને જોડતા 30 કિલોમીટર લાંબા માર્ગનું થશે નવીનીકરણ

  • સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું ખાતમુર્હુત

ભરૂચ જિલ્લાના વાલિયાથી નેત્રંગને જોડતા અને રૂપિયા 18 કરોડના ખર્ચે નવ નિર્માણ પામનાર  30 કિલોમીટર લાંબા બે માર્ગોના નવીનીકરણના  કામનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નેત્રંગને જોડતા બે માર્ગોના નવીનીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, વાલિયા તાલુકા પંચાયતના  પ્રમુખ સેવંતુ વસાવા સહિત સરપંચોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત હસ્તકના આ માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ હતી.

વાલિયા નેત્રંગ તાલુકાના ગુંડિયા, કામલિયા, ઝરણાં, વાઘણદેવી, પાંચસિમ, ભેંસખેતર, દત્તનગર અને નેત્રંગ-વાલિયા હાઈવેને જોડતો 17.60 કિમીનો  માર્ગ રૂ.10.26 કરોડના ખર્ચે નિર્માણ પામશે.જ્યારે બીજો 12.37 કિમીનો માર્ગ રૂપિયા 7.52 કરોડના ખર્ચે રાજગઢ, ભાગા, ભરાડીયા, હોલા કોતર, મોખડી અને રાજપરા ચોકડીને જોડશે.આ માર્ગના નવ નિર્માણના કારણે બન્ને તાલુકાનાં અનેક ગામોના લોકોને વાહનવ્યવહારમાં સરળતા રહેશે.

ભરૂચના કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ

ભરૂચ શહેરના વોર્ડ નંબર-9માં આવેલ કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પીવાના દુષિત પાણીને પગલે સ્થાનિકો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત હેઠળ જીવી રહ્યા છે.

ભરૂચ શહેરના વોર્ડ નંબર-9માં આવેલ કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પાલિકાના વોટર વર્કસ કમિટી દ્વારા પીવાના પાણી પુરવઠો આપવામાં આવે છે. ત્યારે કેટલાક સમયથી આ વિસ્તારમાં દુષિત પાણી સાથે સાપના કણા અને જીવાતો આવતી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે.

આજે પણ પીવાનું દુષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે. દુષિત પાણીને લઇ સ્થાનિકોએ વેચાતું પાણી લાવી પીવા મજબુર બન્યા છે. ત્યારે સ્થાનિકોએ આજરોજ પાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેઓએ સ્થાનિકોની વેદના સાંભળી તરત વોટર વર્કસના એન્જીનીયરને સુચના આપી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરાશેની ખાતરી પણ આપી હતી.

ભરૂચ જિલ્લામાં 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના ટીમ દ્વારા વર્લ્ડ રેબિઝ ડે ઉજવાયો

28/9/22 એટલે આખા વિશ્વ માં રેબિઝ ડે તરીકે ની ઉજવણી કરવામાં આવે છે, તો આ નિમિતે આપણી ભરૂચ  જિલ્લાની GVK EMRI ની 18 ફરતું પશુ દવાખાનું (MVD) ના વેટરનરી ર્ડો અને તેમની તેમની ટિમ દ્વારા બધાજ 10 ગામ પૈકી 1 ગામ માં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક ધોરણ 5 થી 10 માં ભણતા દરેક વિદ્યાર્થી ને તેમની શાળા માં જઈને  વેટેરનરી ર્ડો અને તેમની ટિમ ઘ્વારા રેબિઝ (હડકવા) કેવી રીતે થાય છે, તેનો શું ઈલાજ હોઈ શકે, તેના લક્ષણો વગેરે વિશે જરૂરી સંપૂર્ણ માહીતી આપી ને લોકો ને માહિતગાર કર્યા હતા.

રેબિઝ વિશે થોડું જાણીએ: આ રોગ સૌથી જૂના-પુરાણા રોગોમાંનો એક છે. અથર્વવેદમા પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.(ઇસ. પુર્વે ૫૦૦ થી ૧૫૦૦ ના ગાળા માં.) આ રોગનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૧૯૩૦માં લખાયેલા મેસોપોટેમિયન પુસ્તક ‘એષ્નુન્નાના કાયદા (Laws of Eshnunna)’માં જોવા મળે છે. આ રોગ મોટે ભાગે ગરમ લોહી ધરાવતા એવા ભૂચર અને ખેચર સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે, દા.ત. કુતરા, વરૂ, શિયાળ, બિલાડી, જંગલી બિલાડા, સિંહ, ગાય, ભેંસ, વાંદરા, માંકડા, ચામાચિડીયા, મનુષ્ય, વગેરે. હડકવાથી વિશ્વભરમાં દર વર્ષે ૫૫૦૦૦ લોકો મૃત્યુ પામે છે.જેમા ના ૯૫% જેટલા મૃત્યુ ફક્ત એશિયા અને આફ્રિકામાં જ થાય છે. કુલ મૃતાંકના ૯૭% તો ફક્ત હડકાયા કુતરા કરડવાને પરિણામે જ હોય છે.

હડકવાની રસીની શોધ ઈસવીસન ૧૮૮૫માં વિજ્ઞાની લૂઈ પાશ્ચરે કરેલી છે. જયારે મનુષ્ય માં રેબિઝ થાય ત્યારે તેના પ્રાથમિક લક્ષણો માથુ દુઃખવું, તાવ આવવો, નબળાઈ આવવી, ખોટી ચિંતા, મૂંઝવણ, હતાશા, વિચિત્ર વર્તન, અતાર્કિક વિચારો, આક્રમકતા વગેરે છે, જ્યારે હડકવા ઉપડ્યા પછીના લક્ષણો નીચે પ્રમાણે છે:

(1) બીજા માણસોને કે જાનવરને કરડવા દોડવું

(2) બચકા ભરવા, વિચિત્ર વિચારો આવવા, વિચિત્ર વર્તન

(3) હિંસક વર્તન, ખૂબ જ ગુસ્સો પ્રદર્શિત કરવો

(4) પાણીથી ભય લાગવો, દૂર ભાગવું

(5) ઘણા અંગોમાં લકવાની અસર થવી

(6) મોઢામાં લકવાને કારણે ખોરાક, પ્રવાહી ગળવાની અક્ષમતા

(7) વધુ પ્રમાણમાં લાળ અને આંસુ પડવા

(8) વધુ પ્રકાશ, અવાજ કે સ્પર્શ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બની જવું.

error: Content is protected !!