The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 49

ભરૂચ ફાટાતળાવ ખાતેની પાલિકાની જગ્યા ઉપર કરાયેલ ગેરકાયદે દબાણો કરાયા દુર

ભરૂચ નગરપાલિકાની ખુલ્લી જગ્યા પર ફાટાતળાવ શોપીંગ સેન્ટરના દુકાનધારકો દ્વારા કરાયેલા ગેરકાયદેસરના તમામ દબાણો આજે પાલિકા દ્વારા દુર કરવા કવાયત હાથધરાઇ હતી.

છેલ્લા લાંબા સમયથી ભરૂચ શહેરમાં ખુલ્લી જગ્યા તેમજ જાહેર માર્ગની બંન્નેવ તરફ લારી-ગલ્લાવાળાઓ,દુકાનધારકો દ્વારા દબાણો કરાયા હોવાની બુમો ઉઠવા પામી હતી. જે અન્વયે પાલિકા દબાણ શાખા હરકતમાં આવતા આજરોજ ભરૂચના ફાટાતળાવ સ્થીત પાલિકાના તાબા હેઠળની ખુલ્લી જ્ગ્યા ઉપરના તમામ દબાણો દુર કરવામાં આવ્યા હતા. અચાનક દબાણો દુર કરાતા ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી હતી. અને સૌ પોતે કરેલા દબાણો હટાવવા લાગી ગયા હતા.

ભરૂચ જિલ્લા પંચાયત નિવૃત્ત કર્મચારી મિત્રો દ્વારા મોરબીના મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ

ભરૂચ જિલ્લા પંચાયત નિવૃત્ત કર્મચારી મિત્રો દ્વારા તાજેતરમાં મોરબી ની હ્રદયદ્રાવક ઘટનાં તથા જિલ્લા પંચાયત પરિવાર નાં મિત્રો નાં અવસાન થયેલ હોય તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

આજે જિલ્લા પંચાયત ખાતે સારી એવી સંખ્યામાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ ઘણાં લાંબા સમય બાદ ભેગા થયા હતા તથા સૌ વધારે ઉંમરના અન્વયે પંચાયત પરિવાર નાં મિત્રો કોરોના સંક્રમણ માં અચાનક દિવંગત થતાં તથા રાજ્ય ની ગોઝારી ઘટના અંગે એકત્ર થઈ મૌન ધારણ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તથા આવનાર સમયમાં સૌ ભેગા મળીને એકબીજા ને મદદરૂપ થવાની સંકલ્પના દોહરાવી હતી.

આ પ્રસંગે જીલ્લા પંચાયત કર્મચારી મહામંડળ ના પૂર્વ પ્રમુખ બહેચરભાઈ રાઠોડ, મહામંત્રી વિક્રમસિંહ રાજ, અબ્દુલભાઈ ચૌહાણ, દેવુભા.કાઠી, રક્ષાબેન ફિટર, નટુભાઈ કાયસ્થ, ભરતભાઈ બ્રહ્મભટ્ટ, કનુભાઈ વાળંદ, બી એસ ઝરીયા, અજીતસિંહ અટોડદરીયા,નૂરમહમંદભાઈ પટેલ, તથા જીલ્લા પંચાયત કર્મચારી મહામંડળ ના હાલ નાં પ્રમુખ અશ્વિનભાઈ મકવાણા તથા મહામંત્રી મેલસિંગભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શુક્લતીર્થના પાંચ દિવસીય મેળામાં પોલીસ અને વહીવટીતંત્ર રહેશે ખડેપગે

ભરૂચ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર પણ દિવાળી વેકેશનમાં ધાર્મિક તેમજ પર્યટન સ્થળે અનિયંત્રિત ભીડ અને અનિચ્છનીય ઘટના ન સર્જાઈ તે માટે ખાસ પગલાં ભરી રહી છે. બે વર્ષ બાદ દેવઉઠી અગિયારસથી દેવદિવાળી સુધી સુપ્રસિદ્ધ યાત્રાધામ શુકલતીર્થ ખાતે પાંચ દિવસિય જાત્રા બે વર્ષ બાદ આ વર્ષે યોજવા જઈ રહી છે.બે વર્ષ બાદ શુક્રવારથી શરૂ થતાં પૌરાણિક મેળાને લઈ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા તમામ વ્યવસ્થાઓ ઉપર જાતે સીધી જ દેખરેખ રાખી રહ્યા છે.

જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સાથે શુકલતીર્થ જાત્રા સ્થળ, નદી કિનારો, કબીર વડ અને મઢી ઘાટ સહિતના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા, સલામતી અને આયોજન અંગે નિરીક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. ઝાડેશ્વરથી શુકલતીર્થ દરમિયાન યાત્રાના રૂટ અને મેળામાં રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, તરવૈયાની ટીમ, આરોગ્યની ટીમ, ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ જવાનો સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી કરી હજારોની મેદની વચ્ચે અરાજકતા, અનિચ્છનીય બનાવ કે કોઈ અન્ય ઘટના ન સર્જાય.

ભરૂચ એસટી વિભાગ દ્વારા શુકલતીર્થ જાત્રાને લઈ 30 થી વધુ મેળા વિશેષ બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે. ભોલાવ ડેપો અને શુકલતીર્થ ખાતે માંડવા તાણી સંચાલન હાથ ધરાશે. જેમાં શીતલ સર્કલ, ઝાડેશ્વર અને ઝઘડિયા ખાતે પણ મેળા માટે બસો દોડાવવાનાં પોઇન્ટ ઉભા કરાયા છે.

આમોદના કાંકરીયા ગામે ભરવાડોએ કરેલા હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે આપ્યું આવેદન

આમોદ તાલુકાના કાંકરીયા ગામે ભરવાડોએ આદિવાસી સમાજના યુવાનો અને બાળકોને માર મારતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.જેથી સમગ્ર આમોદ તાલુકામાંથી આદિવાસી સમાજ આવેદનપત્ર આપવા ઉમટી2 પડ્યો હતો.તેમજ આમોદ પોલીસ પણ ભરવાડોને ખુલ્લો સપોર્ટ કરતી હોવાનો આક્ષેપ કરી આજ રોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ૨૯ મી ઓક્ટોમ્બરના રોજ મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ છતાં પોલીસે લાવેલા આરોપીને છોડી મુક્યો હતો.જેથી આરોપીએ બીજા દિવસે ગેરકાયદેસર મંડળી બનાવી ૨૧ થી વધુ ભરવાડોએ ભેગા મળી આદિવાસી સમાજના નાના બાળકો તેમજ યુવાનો ઉપર ડાંગના સપાટા મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.જેમાં પોલીસની કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આવેદનપત્ર આપ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજના ભાઈઓ બહેનો જય આદિવાસી જય જોહર ના સૂત્રો પોકારી આદિવાસી સમાજે રોષ વ્યકત કર્યો હતો. આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં.

વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખોડિયાર નગર અને મેલડી નગરના ભરવાડો અલગ અલગ બહાના હેઠળ ઢોર ચરાવતા અને ખેતરે જતા માણસો અને સ્ત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.કાંકરીયા અને માનસંગપુરાના ગરીબ અભણ અને મજૂરીયાત વર્ગને રોજી રોટીના કામે બહાર નીકળવાનું હોય ભરવાડોના ભયથી જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.જે બાબતે તેમણે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ જિલ્લા ભાજપે ભોલાવમાં શોકસભામાં મોરબીના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી

મોરબીની હતભાગી હોનારતના મૃતાત્માઓના માનમાં બુધવારે રાજ્ય વ્યાપી શોક વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપે પણ ભોલાવ ખાતે શોકસભા યોજી હતી.

વડાપ્રધાને આજે મોરબીના મૃતકો પ્રત્યે સંવેદના સાથે શ્રદ્ધાંજલિ અર્પવા રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પાલિકાના દરેક વોર્ડ અને ગામે ગામ શોક સભા મૃતકોને અંજલિ આપવા યોજાઈ હતી.

ભોલાવ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા ભાજપની શોકસભામાં સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના નાયબ દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મંત્રી નિશાંતભાઈ મોદી, દિનેશભાઇ આહીર સહિત આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અત્યંત દુઃખદ અને ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને ઈશ્વર આ મૃતાત્માઓને તેમના ચરણમાં સ્થાન આપે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ઘેરા શોકની લાગણી વચ્ચે આ પરિવારો ને કુદરત આઘાતમાંથી બહાર નીકળવા શક્તિ અર્પે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી. અને આ દુઃખની ઘડીમાં જે લોકો હજી સારવારગ્રસ્ત છે તેઓ જલ્દી સાજા થાય તે માટે પણ પ્રાર્થના કરી શોકસભાનું સમાપન કરાયું હતું.

ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા ૧૨૫મી રંગજયંતિ ઉજવાઇ

ભરૂચ નવાદહેરા સ્થીત દત્તમંદિરે દત્તોપાસક પરિવાર દ્વારા આજે રંગ અવધુત બાપજીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી.

રંગજયંતિ નિમિત્તે દત્તોપાસક પરિવાર નવાદહેરા દ્વારા પ્રભાતફેરી, મંગળા આરતી, સંગીતમય પાદુકા પૂજન, ધૂન સાથે ભવ્ય શોભાયાત્રા તેમજ મહાપ્રસાદી યોજવામાં આવી હતી.

જેનો દત્તોપાસક પરિવાર નવાદહેરાના પરિવારજ્નો અને મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી દર્શનાર્થીઓએ અવધુતમય બની ધન્યતા અનુભવી હતી.

કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આમોદના ટીકીટ વાંચ્છુઓનો ધારાસભ્ય ઉપર હુમલાનો પ્રયાસ

જંબુસરથી આવેલી કોંગ્રેસની પરિવર્તન આમોદમાં પ્રવેશતાં જ રૂટ બાબતે કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ડખો થયો હતો.જેમાં આમોદ- જંબુસરના ધારાસભ્યને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ ધક્કે ચઢાવ્યા હતા.અને ધારાસભ્ય ઉપર હુમલાનો પ્રયાસ કરાયો હતો.

આમોદમાં પ્રવેશેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં શમાં ચોકડી ઉપર રૂટ બાબતે ધારાસભ્ય અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી.જેમાં શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થયા બાદ આમોદ જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને તાલુકા કોંગ્રેસના ટીકીટ વાંચ્છુઓ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યને ધક્કે ચઢાવી હુમલાનો પ્રયાસ કર્યો હતો.તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખના સમર્થકોએ સંજય સોલંકી હાય હાય ના નારા લગાવ્યા હતા.ત્યારે હાજર રહેલી પોલીસે પરિસ્થિતિ પારખીને ધારાસભ્યને ટોળાથી અલગ લઈ ગયા હતા.ત્યાર બાદ તાલુકા કોંગ્રેસની હઠ મુજબ પરિવર્તન યાત્રા તેના નિર્ધારિત રૂટ કરતા કોર્ટ વાળા રસ્તે આમોદમાં પ્રવેશી હતી.જ્યાં હાજર કોંગ્રેસના આગેવાનોએ જનતાને ભાષણ આપ્યા બાદ આમોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલયનું રીબીન ઉદ્દઘાટન કરાયું હતું.જેમાં ધારાસભ્યએ જવાનું ટાળ્યું હતું અને ધારાસભ્ય સંજયસિંહ સોલંકી શમાં હોટેલ પાસે જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે બેસી રહ્યા હતા.

કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યા બાદ પરિવર્તન યાત્રા આમોદથી ચાર રસ્તા ઉપર આવતા ધારાસભ્ય પરિવર્તન યાત્રામાં તેમના કાર્યકરો સાથે જોડાયા હતાં.આમોદ ચાર રસ્તા ઉપર ધારાસભ્યના સમર્થકોએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ મુર્દાબાદ ના નારા લગાવ્યા હતા.તેમજ સંજયસિંહ સોલંકી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે.ના નારા લગાવ્યા હતા. શમાં હોટેલ પાસે તાલુકા કોંગ્રેસના સમર્થકોએ સંજય સોલંકી હાય હાય ના નારા લગાવ્યા

જ્યારે આમોદ ચોકડી ઉપર ધારાસભ્ય સંજયસિંહ સોલંકી ના સમર્થકોએ પરિમલ સિંહ હાય હાય ના નારા લગાવ્યા અને કોંગ્રેસની પરિવર્તન યાત્રા આગળ નીકળી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસો થકી 34 ખેડૂતોને 40.90 એકરના મળશે રૂ.68.34 કરોડ રૂપિયા

ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતો માટે હવે ખરી દિવાળીનો માહોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસોથી શરૂ થયો છે.

ભારત માલા પ્રોજેકટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે માં ભરૂચ જિલ્લાના જમીન ગુમાવનારા ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સાથે રાખી ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ સહિતે દિલ્હી દરબારમાં ચાર વખત ધામાં નાખ્યા હતા.

ભરૂચના સાંસદ, અંકલેશ્વર ધારાસભ્ય, જિલ્લા પ્રમુખે પ્રદેશ અધ્યક્ષ સાથે મળી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની વખતો વખત રૂબરૂ મુલાકાત લીધી હતી. જિલ્લાના એક્સપ્રેસ વે ના 1300 અસરગ્રસ્ત ખેડૂતોની NHAI સામે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા સુરત, નવસારી સહિતના પ્રમાણે જમીન સંપાદન વળતર ચૂકવવાની માંગણી પાછલા ચાર વર્ષથી ચાલી રહી હતી.

ખેડૂત સમન્વય સમિતિ અને જિલ્લા કિસાન સંઘના કાર્યકારી પ્રમુખ નિપુલ પટેલ સાથે જિલ્લા ભાજપ સંગઠને જિલ્લાના ખેડૂતોને તેઓની મહામૂલી જમીનનું યોગ્ય વળતર અપાવવા બાંહેધરી આપી રાજ્ય સરકારમાં પણ રૂબરૂ રજુઆત કરી હતી.ભાજપની ડબલ એન્જીન સરકારમાં ભરૂચ જિલ્લાના એક્સપ્રેસ વે ના ખેડૂતોને હવે આર્બીટરી એવોર્ડ મળવાની શરૂઆત થઈ છે. ભરૂચ જિલ્લા આર્બીટ્રેટર અને કલેકટર તુષાર સુમેરા દ્વારા પુનગામ માટે આર્બીટ્રેશન એવોર્ડ 142 પ્રતિ ચોરસ મીટર થી વધારી રૂ.640 સોમવારે જાહેર કરવામાં આવ્યો છે.

જેને લઈ પુનગામના 34 ખેડૂતો માં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતનો આભર વ્યક્ત કર્યો હતો. પુનગામના ખેડૂતોને હવે એકરે રૂપિયા 1.67 કરોડ મળશે. ગામની કુલ 40.90 એકર જમીન સંપાદિત કરાઈ છે. સાથે જ જિલ્લા ભાજપ દ્વારા સૂચન પણ કરાયું છે કે આ એવોર્ડ સામે NHAI કોર્ટમાં ના જાય. અન્ય 31 ગામોના પણ આર્બીટ્રેશન એવોર્ડ હવે આવવા લાગતા ખેડૂતોમાં ડબલ એન્જીનની સરકારના જિલ્લા ભાજપના પ્રયાસોને લઈ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

આમોદના કાંકરીયા ગામે આદિવાસી યુવાનોને ભરવાડે ડાંગના સપાટા મારતા ૨૧ સામે ફરિયાદ

આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢેલા છોકરા બાબતે આરોપીના છોકરાને કહેવા ગયો હતો.જેની રીષ રાખી આરોપીએ ફરિયાદી તથા તેના પિતા તેમજ તેના મિત્રોને પણ ડાંગના સપાટા મારી ઇજાગ્રસ્ત કર્યા હતાં.જે બાબતે આમોદ પોલીસ મથકે ૨૯ મી ઓક્ટોબરના સાંજના સમયે મારામારી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કાંકરીયા ગામે ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ જયેશ નામનો છોકરો ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢ્યો હતો.જે બાબતે અશ્વિન વસાવાએ હરજી ભરવાડના છોકરાને કહ્યું હતું કે તમારી ભેંસો શોધવા જયેશ પાણીની ટાંકી ઉપર ચઢ્યો હતો અને કદાચ પડી ગયો હોત તો તમારું જ નામ આવતું.જેની રીષ રાખી ૨૯ મી ઓક્ટોમ્બરે સવારના સમયે અશ્વિન તથા તેના પિતાને હરજી ભરવાડે ગમે તેમ ગાળો બોલતો હતો.

કાંકરીયા ગામે રાયોટીંગનો ગુનો બનતા પોલીસે કાંકરીયા તેમજ મેલડી નગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કાંકરીયા ગામે ગત ૨૯ મી ઓક્ટોમ્બરના રોજ આદિવાસી સમાજના લોકો સાથે હરજી ભરવાડને મારામારી થઈ હતી.જે બાબતે અશ્વિન વસાવાએ હરજી ભરવાડ વિરૂધ્ધ મારામારી થતા એટ્રોસીટી એક્ટ મુજબ આમોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.જેથી પોલીસ હરજી ભરવાડને પકડી લાવી આમોદ પોલીસ મથકે બેસાડી દીધો હતો.ત્યાર બાદ ગંભીર ગુનાના આરોપીને આમોદ પોલીસે કાયદાનો ડર રાખ્યા વિના છોડી મુક્યો હતો.

ત્યાર બાદ બીજા દિવસે રવિવારે કાંકરીયા બસ સ્ટેન્ડ પાસે ૨૧ થી વધુ ભરવાડોએ ગેરકાયદેસર મંડળી બનાવી કાંકરીયા ગામે પહોંચી આદિવાસી લોકોને મારવા દોડી ગયા હતા.જેમાં આમોદ પોલીસે રાયોટીંગ,જાનથી મારી નાખવાની કોશિશ,એટ્રોસીટી એક્ટ તેમજ મારામારી સહિતની કલમો ઉમેરી ૨૧ ભરવાડો સામે ફરિયાદ દાખલ કરી છે.જેમાં પોલીસે ૨૯ મી તારીખે નોંધેલા ગુનામાં પણ હરજી ભરવાડને આરોપી બતાવ્યો છે તેમજ ૩૦મી ઓક્ટોમ્બરે નોંધાયેલા રાયોટીંગના ગુનામાં પણ હરજી ભરવાડને આરોપી બતાવ્યો છે.આમ આમોદ પોલીસની ગંભીર પ્રકારની બેદરકારીને કારણે ગરીબ વસાવા સમાજના લોકોને વધુ માર ખાવાનો વખત આવ્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા એકતા દોડ-યુનિટી રન કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમુત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશની એકતા અખંડિતા જળવાઈ રહે દેશની રક્ષા માટે લોક જાગૃતિ આવે તથા સમાજમાં તેનો પ્રસાર પ્રચાર વેગવંત બને વતન પ્રેમીઓમાં દેશ પ્રેમ, દેશ ભકિત લોકોમાં જાગૃત થાય એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના જાગૃત થાય તેવા હેતુસર ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ૭૫૦ જીલ્લાઓમાં ૭૫૦૦૦ એક્તા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે મુજબ દરેક જિલ્લામાં ૧૦૦ એક્તા દોડનું આયોજન કરાયું હતું. કેન્દ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સા હસિકતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા પ્રસ્‍થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સરકારની સૂચના મુજબ “યુનિટી રન”નો કાર્યક્રમયોજવામાં આવ્યો હતો.

નિયામક ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમમાં શ્રીમતી ઈન્દિરાબેન રાજ (પૂર્વ પ્રમુખ ભરૂચ નગર પાલિકા) મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા તથા સંસ્થાનના વિવિધ અભ્યાસક્રમના તાલીમાર્થી ભાઈ-બહેનો,શિક્ષકગણ, રિસોર્સ પર્સન સ્ટાફ ગણ તથા શહેરની ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્‍ટ ની ભરૂચની સભ્ય બહનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

યુનિટી રનને શ્રીમતી ઈન્દિરાબેન રાજ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્યું હતું અને સૌ ઉપસ્થિત સભ્યોને એકતાના સપથ લેવડાવ્યા હતા. અંતે કાર્યક્રમમાં સહભાગી થવા બદલ લાઈવલીહૂડ કો ઓડિનેટર ક્રિષ્નાબેન કથોલીયાએ હાજર રહેવા બદલ સૌનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરી દેશના લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિતે તેમના અખંડ ભારતનાં સ્વપનને સાકાર કરવા સૌનો સાથ સહકાર સાંપડી રહે તેવી અભ્યર્થના સેવી કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.આ કાર્યક્રમની સફળતા માટે અદયક્ષા ફિરદો શબેને આનંદની લાગણી સહ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!