નર્મદા નદીના પાવન કિનારે અને બે શીતળ જળધારાઓ વચ્ચે આવેલા શ્રી સદગુરૂ કબીર સાહેબની કીર્તિરૂપ તીર્થધામ કબીરવડ ખાતે ભક્તિ અને આધ્યાત્મિકતાના સંગમ સમાન ત્રિદિવસીય ‘સંત સમાગમ મેળા’નો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે.
શ્રી સદગુરૂ કબીર આશ્રમ, અંકલેશ્વર દ્વારા છેલ્લા ૧૦૪ વર્ષથી આ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની સ્થાપના પ.પૂ. મહંતશ્રી ૧૦૮ માણેકદાસજી સાહેબ અને ગુરૂશ્રી મુકુંદદાસજી સાહેબ દ્વારા કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પ.પૂ. મહંતશ્રી ૧૦૮ ગુરૂચરણદાસજી તથા ગુરૂશ્રી રામકિશોરદાસજી સાહેબના કરકમળો દ્વારા આ સમગ્ર મહોત્સવ યોજાઈ રહ્યો છે.
સંવત ૨૦૮૩ના કારતક સુદ તેરસ, ચૌદશ અને પૂનમ (રવિવાર, સોમવાર અને મંગળવાર) દરમિયાન યોજાઈ રહેલા આ મેળામાં દરરોજ સત્સંગ, સંતોના પ્રવચન, ભજન અને ભંડારાનું આયોજન કરાયું છે.
મેળાના અંતિમ દિવસે એટલે કે કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે વિશેષ સત્સંગ અને મહાપ્રસાદ (ભંડારા)ની સાથે શ્રદ્ધાળુઓ દ્વારા કબીરવડની પરંપરાગત પ્રદક્ષિણા કરવામાં આવશે.સંતો-મહંતો અને હંસજનોની ઉપસ્થિતિમાં શરૂ થયેલા આ ૧૦૪મા સંત સમાગમ મેળામાં મોટી સંખ્યામાં કબીરપંથી અનુયાયીઓ અને ભક્તો ઉમટી પડ્યા છે, જેનાથી સમગ્ર નર્મદા તટ ભક્તિના રંગે રંગાઈ ગયો છે.






