ભરૂચ–દહેજ સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહારથી ધમધમતા માર્ગ પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. ભેંસલી ગામ નજીક પસાર થઈ રહેલા એક મહાકાય કન્ટેનરના કેબિનના ભાગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કન્ટેનરના કેબિનમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી દેખાતા જ ચાલકે સમયસૂચકતા વાપરી વાહનને રસ્તાની બાજુમાં ઊભું રાખી દીધું હતું અને તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો.
આ ઘટનાને પગલે ભરૂચ–દહેજ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
આગ લાગવાની આ ઘટનામાં કન્ટેનરના કેબિનને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. આગ પાછળના કન્ટેનર સુધી પ્રસરે તે પહેલા જ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.






