ભરૂચની પોશ ગણાતી GNFC ટાઉનશીપમાં દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે GNFC સિક્યુરિટી અને વન વિભાગની ટીમો દ્વારા સંયુક્ત રીતે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ટાઉનશીપમાં બે પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

અગાઉ ભોલાવ વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે તે GNFC ટાઉનશીપમાં ઘૂસી આવ્યો છે. ટાઉનશીપની સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 તેમજ આસપાસની ઝાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો. આ અંગે માહિતી આપતા GNFC સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના એડિશનલ મેનેજર જયેશ ચાકોએ જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવારે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે ટાઉનશીપની ઝાડીઓમાં દીપડાને જોયો હતો. ત્યારબાદ તાત્કાલિક સિક્યુરિટી ટીમે વિસ્તારની ઘેરાબંધી કરીને વન વિભાગને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ RFO દિવ્યા ચૌધરી સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સિક્યુરિટી અને વન વિભાગની સંયુક્ત ટીમે દીપડાને પકડવા માટે ટાઉનશીપમાં બે પાંજરા મુક્યા છે. જયેશ ચાકોના જણાવ્યા અનુસાર, બંને ટીમોએ આખી રાત સાથે મળીને પેટ્રોલિંગ કર્યું હતું અને દીપડો જ્યાંથી બહાર આવી શકે તેમ હતો તેવા સંભવિત વિસ્તારોમાં આગનો ઘેરાવ પણ કર્યો હતો. જોકે, હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી. આજ સવારથી ગોલ્ફ ગ્રાઉન્ડ સહિતના અન્ય વિસ્તારોમાં ફરીથી સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે અને જરૂર પડ્યે વધુ પાંજરા મુકવાની તૈયારી પણ ચાલી રહી છે.
રહીશો માટે આજે સાંજે અવેરનેસ સેશન
ટાઉનશીપમાં વસતા કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સાવચેત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. GNFCના MD અને એડિશનલ જનરલ મેનેજર પી. જે. કાપડિયાના માર્ગદર્શન હેઠળ આજે સાંજે SNR ક્લબ ખાતે એક અવેરનેસ અને ટ્રેનિંગ સેશન યોજાશે. આ સેશનમાં RFO દિવ્યા ચૌધરી રહીશોને દીપડાથી બચવા માટે રાખવાની થતી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપશે. જ્યાં સુધી દીપડો સુરક્ષિત રીતે પકડાઈ ન જાય ત્યાં સુધી વન વિભાગ અને સિક્યુરિટીનું આ ઓપરેશન યથાવત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here