અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર મારામારીનું સ્વરૂપ ધારણ કરતા ચકચાર મચી જવા પામી છે. છઠપૂજાના મેદાન નજીક ટિપ્પણી કરવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં બે સગા ભાઈઓ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરતા 6 આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા અંબિકાનગર નજીક છઠપૂજાના મેદાન પાસેથી ફરિયાદી જીતેન્દ્ર રામજી કુશવાહાઅને તેમનો ભાઈ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક યુવકોએ તેમના પર અયોગ્ય ટિપ્પણી કરી હતી.

ટિપ્પણી કરવા બાબતે બંને પક્ષો વચ્ચે શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ જોતજોતામાં આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉશ્કેરાયેલા શખ્સોએ એકસંપ થઈને જીતેન્દ્ર કુશવાહા અને તેમના ભાઈ પર હુમલો કરી માર માર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ ઘટના અંગે ભોગ બનનાર યુવકે અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી લડાઈ-ઝઘડા અને મારામારીમાં સંડોવાયેલા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ તેજ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here