આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ભરૂચ તાલુકાની 31 માર્ચ 2027 સુધીમાં મુદત પૂરી થતી કુલ 77 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે અનામત બેઠકોનું રોટેશન સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામું બહાર પડતાની સાથે જ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ અને રાજકીય સમીકરણોએ જોર પકડ્યું છે.
નિયમો અને વસ્તીગણતરીના આધારે ફાળવણી
ગુજરાત પંચાયત અધિનિયમ-1993 અને વર્ષ 2011ની વસ્તીગણતરીના આંકડાઓને ધ્યાનમાં રાખીને આ અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC) માટે બેઠકો નિર્ધારિત કરાઈ છે. સરકારના નિયમ મુજબ OBC વર્ગ માટે 27 ટકા અનામત રાખવામાં આવ્યું છે, તેમજ દરેક કેટેગરીમાં મહિલાઓ માટે પણ અલાયદી બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત બિનઅનામત (સામાન્ય) કેટેગરીમાં પણ સામાન્ય અને મહિલા બેઠકોની અલગથી ફાળવણી કરાઈ છે.
કેટેગરી મુજબ ફાળવાયેલ ગામોની યાદી
કલેક્ટર કચેરીના જાહેરનામા મુજબ વિવિધ કેટેગરીમાં નીચે મુજબના ગામોનો સમાવેશ થાય છે:
• SC (સામાન્ય): પીપલીયા અને માંચ.
• SC (મહિલા): કુવાદર અને કેસરોલ.
• ST (સામાન્ય): ત્રાલસી, સીમલીયા, કારેલા, ચોલાદ, અમલેશ્વર, ભરથાણા અને વડવા.
• ST (મહિલા): ભોલાવ, નંદેલાવ, હિંગલ્લા, કરગટ, બોરી, આમદડા, અડોલ, ડભાલી અને કુરલા.
• OBC (સામાન્ય): પાલેજ, પરીએજ, પારખેત, રહાડપોર, સામલોદ, શંખવાડ, સેગવા, શુકલતીર્થ અને સિંઘોત.
• OBC (મહિલા): બંબુસર, દયાદરા, મહેગામ, મનાડ, મંગલેશ્વર, નાંદ, નવેઠા, નિકોરા અને પગુથણ.
જાહેરનામાની નકલ નોટિસ બોર્ડ પર મૂકવા સૂચના
વહીવટી તંત્ર દ્વારા પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ જાહેરનામાની નકલ સંબંધિત તમામ ગ્રામ પંચાયતોના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી (TDO), મામલતદાર કચેરી (ગ્રામ્ય) અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ આ યાદી જાહેર જનતાની જાણ માટે મૂકવામાં આવશે.
ગ્રામ્ય રાજકારણમાં નવા સમીકરણો
સરપંચ પદનું રોટેશન જાહેર થતા જ અનેક ગામોમાં દાવેદારોની ગણતરીઓ બદલાઈ ગઈ છે. જ્યાં મહિલા અનામત કે ચોક્કસ કેટેગરીની બેઠકો આવી છે, ત્યાં સ્થાનિક આગેવાનો દ્વારા નવા ચહેરાઓને આગળ કરવાની કવાયત શરૂ થઈ ચૂકી છે. હવે આગામી દિવસોમાં કયા ગામમાંથી કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે તેના પર સૌની નજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here