જંબુસર તાલુકાના ઉબેર ગામ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં 65 ફૂટનું મોટું ગાબડું પડવાના મામલે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. તંત્રનો સત્તાવાર તપાસ રિપોર્ટ આવે તે પહેલા જ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ગાબડું પડવા પાછળ ‘શાહુડી’ (એક વન્ય પ્રાણી) જવાબદાર હોવાનું નિવેદન આપતા તેઓ નવા વિવાદમાં સપડાયા છે.

ધારાસભ્યના આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ધારાસભ્યના દાવાને નકારી કાઢતા તેને નહેરના કામમાં થયેલો ભ્રષ્ટાચાર છુપાવવાનું કાવતરું ગણાવ્યું છે.
નરેન્દ્ર પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “નહેરના બાંધકામ અને સમારકામમાં થયેલા ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટે હવે એક અબોલ પશુના નામનો સહારો લેવાઈ રહ્યો છે. તપાસ રિપોર્ટ આવ્યા પહેલા જ જવાબદાર લોકોને બચાવવા માટે આવા હાસ્યાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે.”

ઉલ્લેખનીય છે કે, ઉબેર ગામ નજીક કેનાલમાં 65 ફૂટનું ગાબડું પડવાને કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ તો સત્તાવાર તપાસ રિપોર્ટ પહેલા જ શાહુડીના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને આવી જતાં સમગ્ર પંથકમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here