જંબુસર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને ધાર્મિક સ્થળો પર રાત્રિના સમયે પૂરતા પ્રકાશની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે જંબુસર નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા સાકીર મલેકે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવી શહેરના 10 જેટલા મહત્વપૂર્ણ સ્થળોએ તાત્કાલિક હાઈમાસ્ટ અને મિની હાઈમાસ્ટ લાઈટ લગાવવાની માંગ કરી છે.
સાકીર મલેકે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, નગરપાલિકા દ્વારા અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 12 જેટલા હાઈમાસ્ટ લાઈટ લગાવવામાં આવ્યા છે, જે એક પ્રશંસનીય કામગીરી છે. જોકે, શહેરમાં હજુ પણ એવા ઘણા વ્યસ્ત વિસ્તારો બાકી છે જ્યાં રાત્રિ દરમિયાન લોકોની સતત અવરજવર રહેતી હોવા છતાં અંધારપટ છવાયેલો રહે છે.
રજૂઆતમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે શહેરની હોસ્પિટલ, એસ.ટી. ડેપો, મંદિરો, દરગાહ અને કબ્રસ્તાન જેવા સંવેદનશીલ અને જાહેર સ્થળોએ રાહદારીઓની સુરક્ષા તથા સુવિધા માટે પૂરતો પ્રકાશ હોવો અત્યંત જરૂરી છે. અંધારાને કારણે રાત્રિના સમયે અવરજવર કરતા દર્દીઓ, મુસાફરો અને શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડે છે.
પૂર્વ વિપક્ષી નેતાએ ચીફ ઓફિસર સમક્ષ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ તમામ 10 સ્થળોની સ્થળ તપાસ કરવામાં આવે અને યોગ્ય ગ્રાન્ટ ફાળવીને વહેલી તકે હાઈમાસ્ટ લાઈટ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી શહેરીજનોને અંધારાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે.





