જંબુસર તાલુકાના ઉબેર ગામ પાસે ગઈકાલે વહેલી સવારે નર્મદા નિગમની કેનાલમાં 65 ફૂટનું મોટું ગાબડું પડતાં 50થી 60 એકર જેટલી ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યા હતા. આ ગંભીર ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ તાલુકાના ડાભા ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલને લઈને ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
ડાભા ગામના સ્થાનિકો અને ખેડૂતોમાં હાલ ભારે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ડાભા ગામ નજીક કેનાલના એક તરફ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આસપાસમાં પાણી ભરાઈ રહ્યું છે. બીજી તરફ, કેનાલમાં પાણીનું સ્તર વધતાં તે ઓવરફ્લો થઈને કેનાલનો પાળો તોડી નાખે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઉબેર ગામ પાસે કેનાલ તૂટવાથી ડાંગર, કપાસ સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. કેનાલની યોગ્ય જાળવણી અને સમયસર સમારકામના અભાવે આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. હવે ડાભા ગામ પાસે પણ આવી જ સ્થિતિ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
સ્થાનિકોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે શું નર્મદા નિગમનું તંત્ર ઉબેર બાદ હવે ડાભા ગામમાં બીજી મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? ખેડૂતો અને ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક અસરથી ડાભા ગામ ખાતે સ્થળ તપાસ કરે અને પાળો તૂટે તે પહેલાં પાણીના નિકાલ તથા સમારકામની યોગ્ય કાર્યવાહી હાથ ધરે, જેથી જગતના તાતને વધુ એક આર્થિક ફટકો પડતો અટકાવી શકાય.






