ભરૂચ તાલુકાના શુકલતીર્થમાં યોજાનારા પરંપરાગત મેળા માટે જિલ્લા વહીવટી તંત્રએ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા આયોજન કર્યું છે. આ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલમાં કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સુરક્ષા, ટ્રાફિક, વીજળી, આગથી બચાવ અને સ્વચ્છતાની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી.

કલેક્ટરે શુકલતીર્થ ગ્રામ પંચાયતને દુકાનો અને સ્ટોલ માટે નદીના ઘાટ પાસે કે ઢોળાવવાળા જોખમી વિસ્તારોમાં જગ્યા ન ફાળવવા કહ્યું હતું. જોખમી અને પ્રતિબંધિત વિસ્તારોમાં લોકોની અવરજવર રોકવા ચેતવણીનાં બોર્ડ લગાવવા પણ સૂચના અપાઈ હતી. મેળામાં મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રવેશ-નિકાસના રસ્તા, નદીકાંઠા, ઘાટ અને ભીડવાળા વિસ્તારોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા કહેવાયું હતું. પોલીસ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવા પણ સૂચના અપાઈ હતી.
મેળાના સ્થળે અંધારાવાળા વિસ્તારો અને બ્લેક સ્પોટ ઓળખીને લાઇટિંગની વ્યવસ્થા કરવા ગ્રામ પંચાયત અને DGVCLને સાથે મળીને કામ કરવા જણાવાયું હતું. ફાયર વિભાગને આગથી બચાવનાં સાધનો તપાસવા અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કામચલાઉ વીજ જોડાણો, વાયરિંગ, અર્થિંગ તથા વીજ પેનલની સુરક્ષા તપાસવા સૂચના અપાઈ હતી.

મેળામાં ઊભી કરાતી નાની-મોટી તમામ રાઇડ્સની ટેકનિકલ તપાસ કરવા પર ભાર મૂકાયો હતો. સંચાલકો પાસેથી ફિટનેસ અને સલામતીનાં પ્રમાણપત્રો મેળવવા અને સ્થળ પર તપાસ કર્યા પછી જ મંજૂરી આપવા કહેવાયું હતું.

નદીકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બેરિકેડિંગ અને ચેઇન-ફેન્સિંગ કરવા સૂચના અપાઈ હતી. લોકો નાહવા માટે નદીમાં ન ઊતરે તેની દેખરેખ રાખવા અને મગર સહિતનાં સંભવિત જોખમો અંગે ચેતવણીનાં બોર્ડ લગાવવા પણ જણાવાયું હતું. ખાનગી બોટના સંચાલન પર નિયંત્રણ રાખવા અને જરૂર પડે ત્યાં પ્રતિબંધ મૂકવા સૂચના અપાઈ હતી.

મેળા દરમિયાન સફાઈ, કચરાનો નિકાલ અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા ગ્રામ પંચાયતને જરૂરી વ્યવસ્થા કરવા કહેવાયું હતું. મેળો શરૂ થાય તે પહેલાં તમામ વિભાગોએ સુરક્ષા વ્યવસ્થાની ફરી તપાસ કરી ખામીઓ દૂર કરવા અને સંકલન સાથે કામગીરી પૂરી કરવા કલેક્ટરે સૂચના આપી હતી. જાહેર જનતાની સલામતીને પ્રાથમિકતા આપવા પણ તેમણે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here