ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી અભિષેક કોલોનીમાંથી ગાંજાના ત્રણ લીલા છોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જાગૃત નાગરિક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવેલી માહિતીના આધારે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ રૂ. 14,800ની કિંમતનો 296 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 18 નવેમ્બર, 2026ના રોજ તરંગભાઈ નામના વ્યક્તિએ ભરૂચ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી કે શ્રવણ ચોકડી નજીક ફેડરલ બેંક પાસે આવેલી અભિષેક કોલોનીમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે.
આ ટેલિફોનિક વર્ધીના આધારે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓ.એસ. પાટીલ અને તેમની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને પંચો, ફોટોગ્રાફર તેમજ વજનકાંટાવાળાને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સ્થળ તપાસ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના ત્રણ લીલા છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ ત્રણેય છોડનું વજન કરાવતાં તે કુલ 296 ગ્રામ થયું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. 14,800 આંકવામાં આવી છે.
હાલ ભરૂચ શહેર પોલીસે આ મામલે અજાણ્યા ઇસમ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 20(A) અને 20(B)(ii)(A) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ છોડ કોણે અને કયા હેતુથી ઉગાડ્યા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.





