ભરૂચ જિલ્લાની આમોદ તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર ગંભીર વિવાદો અને શંકાના ઘેરાવામાં આવી છે. ગત ૧૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરના સમયે કચેરી ખાતે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ અને પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. કચેરીના મુખ્ય દરવાજે તાળું મારેલું હોવા છતાં અંદરથી એક અજાણ્યો શખ્સ સ્લાઇડિંગ બારી કૂદીને નાસી છૂટતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગત ૧૭ નવેમ્બરના રોજ બપોરે ૨:૦૦ થી ૩:૦૦ વાગ્યાના અરસામાં આમોદ તાલુકા પંચાયત કચેરીના મુખ્ય દરવાજાને તાળું મારેલું હતું. ઘટના સમયે તાલુકા વિકાસ અધિકારી (TDO) વિઝિટ પર બહાર ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, અધિકારીની ગેરહાજરી અને મુખ્ય દરવાજો બંધ હોવા છતાં કચેરીની અંદર પંખા અને એસી (AC) ચાલુ હાલતમાં હતા. આ શંકાસ્પદ સ્થિતિ વચ્ચે અચાનક કોઈ અનધિકૃત વ્યક્તિ અંદરથી સ્લાઇડિંગ બારી કૂદીને બહાર નીકળી નાસી છૂટ્યો હતો.
સ્થાનિકોમાં રોષ અને ગેરરીતિની આશંકા
ચાલુ કચેરીના સમયે મુખ્ય દરવાજે તાળું મારીને અંદર શું કામગીરી ચાલી રહી હતી અને બારી કૂદીને ભાગનાર વ્યક્તિ કોણ હતો, તે અંગે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. સરકારી કચેરીઓમાં જો આ પ્રકારે બંધ બારણે વહીવટ ચાલતો હોય અને બારીએથી ભાગાભાગી થતી હોય, તો સામાન્ય નાગરિકોના કામોમાં કેવા પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવતી હશે તે અંગે સ્થાનિક સ્તરે ભારે રોષ અને ચર્ચા જોવા મળી રહી છે.

આ સમગ્ર રહસ્યમય મામલાની સત્યતા બહાર લાવવા અને જવાબદારોનો પર્દાફાશ કરવા માટે તાલુકા પંચાયતના સદસ્ય ચિંતન પટેલે લાલ આંખ કરી છે. તેમણે માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ અરજી કરીને ૧૭ નવેમ્બરના બપોરના ૨:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધીના કચેરીના સત્તાવાર CCTV ફૂટેજની માંગણી કરી છે.
હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર દ્વારા નિયત સમયમર્યાદામાં CCTV ફૂટેજ આપવામાં આવે છે કે કેમ, અને ફૂટેજની તપાસમાં બારી કૂદીને ભાગનાર શખ્સની ઓળખ તથા આ સમગ્ર પ્રકરણ પાછળનું શું સત્ય બહાર આવે છે. તેના પર સમગ્ર આમોદ તાલુકાની નજર ટકેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here