તા. 31-10-2026 ના રોજ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સત્રાંત નિવૃત્ત, વયનિવૃત્ત તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર પ્રાથમિક શિક્ષકો માટે નિવૃત્તિ વિષયક લાભોના હુકમો વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત 77 જેટલા પ્રાથમિક શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમના માધ્યમથી પારદર્શક, સરળ અને સુવ્યવસ્થિત વહીવટ દ્વારા તેમના નિવૃત્તિ વિષયક લાભોના હુકમો એનાયત કરવામાં આવ્યા.

જીવનનાં અમૂલ્ય વર્ષો શિક્ષણ અને સમાજના ઘડતરમાં સમર્પિત કરનાર શિક્ષકમિત્રોની નિવૃત્તિની ક્ષણને ગૌરવપૂર્ણ અને આનંદદાયક બનાવવાનો આ એક સંવેદનશીલ પ્રયાસ છે. નિવૃત્તિ બાદના જીવનમાં આર્થિક સુરક્ષા અને માનસિક સંતોષ મળે તે માટે વહીવટી તંત્રની આ પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતનાં માનનીય પ્રમુખ ડિમ્પલબા રાજ, અતિથિ વિશેષ તરીકે માનનીય જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, શિક્ષણ સમિતિનાં ચેરમેન કર્મિષાબેન પટેલ, શાસક પક્ષના નેતા મગનભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ,બંને શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આપણા શિક્ષકમિત્રોએ પોતાની કારકિર્દી દરમિયાન શિક્ષણના માધ્યમથી અનેક પેઢીઓનું ઘડતર કર્યું છે. તેમના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમને નિવૃત્તિના લાભો સમયસર અને સરળતાથી મળે તે જ સાચા અર્થમાં શિક્ષક સન્માન છે.





