ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝા માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી આવેલા આચાર્યો, શિક્ષકો, CRC-BRC, વાલીઓ તથા SRF ફાઉન્ડેશનના પ્રતિનિધિઓના વિશાળ પ્રતિનિધિમંડળે તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ શાળાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે શાળામાં અમલી વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ડિજિટલ શિક્ષણ, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન લેબ, પુસ્તકાલય, કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, BALA પેઇન્ટિંગ સહિત શિક્ષણને વધુ રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી બનાવતી નવીન પહેલોનો સમાવેશ થાય છે.

શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, સાંસ્કૃતિક જાગૃતિ અને શૈક્ષણિક કૌશલ્યો જોઈને ભોપાલથી આવેલા મહાનુભાવોએ આશ્ચર્ય સાથે આનંદ વ્યક્ત કર્યો હતો. બાળકોની પ્રતિભા અને શિક્ષકોની મહેનતને પ્રતિનિધિમંડળે મુક્તકંઠે બિરદાવી હતી.

મુલાકાત દરમિયાન શિક્ષણ ક્ષેત્રે થયેલા અનુભવો અને નવીન પ્રયોગો અંગે વિચારોનું આદાનપ્રદાન પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણને વધુ આનંદદાયી, ગુણવત્તાસભર અને પ્રવૃત્તિલક્ષી બનાવવા માટે બંને પક્ષે ઉપયોગી માર્ગદર્શન અને અનુભવોની આપ-લે કરવામાં આવી હતી.

અન્ય રાજ્યમાંથી આવેલા શિક્ષણવિદો દ્વારા મૌઝા પ્રાથમિક શાળાની શૈક્ષણિક કામગીરીની પ્રશંસા કરવામાં આવવી એ સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની બાબત બની છે. આ સફળતા પાછળ શાળાના શિક્ષકોની નિષ્ઠા, વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓનો સહકાર, ગ્રામજનોનું યોગદાન તેમજ SRF ફાઉન્ડેશનનું માર્ગદર્શન અને સહયોગ મહત્ત્વપૂર્ણ રહ્યો છે.

આ મુલાકાતના માધ્યમથી નેત્રંગ તાલુકાની મૌઝા પ્રાથમિક શાળાની શૈક્ષણિક નવીનતાઓ અને બાળકોની પ્રતિભાને અન્ય રાજ્યના શિક્ષણજગત સમક્ષ રજૂ કરવાની તક મળી હતી. અંતે શાળા પરિવાર દ્વારા મુલાકાતે પધારેલા તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here