ભરૂચ તાલુકાના શુકલતીર્થ, કડોદ અને કરજણ ગામને જોડતો સીમતળનો મુખ્ય ડામર રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી વહીવટી તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યો છે. વડોદરા તરફ કડોદના મોટા નાળા પાસેથી કરજણ તરફ જવાના રસ્તે કોઠી સુધીનો અંદાજીત ૨ કિલોમીટરનો આ માર્ગ એટલી હદે બિસ્માર થઈ ગયો છે કે તેના પરથી પસાર થવું અકસ્માતને જાહેર આમંત્રણ આપવા બરાબર છે. સ્થાનિક ખેડૂતો અને વિદ્યાર્થીઓની વહારે આવવા માટે હવે આ માર્ગનું તાત્કાલિક રી-કાર્પેટિંગ કરવા અને વર્ષોથી વણસામેલા વરસાદી કાંસની સફાઈ કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડામર રોડ તત્કાલીન જિલ્લા પંચાયત સદસ્ય ઇન્દ્રસિંહ પરમારના કાર્યકાળ દરમિયાન ખેતીના રસ્તા તરીકે બનાવવામાં આવ્યો હતો. જોકે, આ રસ્તો બન્યા પછી આજદિન સુધી તંત્ર દ્વારા તેનું કોઈ જ પ્રકારનું સમારકામ કે રી-કાર્પેટિંગ કરવામાં આવ્યું નથી. છેલ્લા ત્રણ વર્ષમાં પડેલા મુશળધાર વરસાદ અને વર્ષ ૨૦૨૩ માં નર્મદા નદીમાં આવેલા વિનાશક મહાપૂરે આ માર્ગની દશા વધુ બગાડી છે. આ વિસ્તારની જમીન કાળી હોવાથી ચોમાસામાં મોટા ભરોડા (ગાબડા) પડી ગયા છે, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.
આ ૨ કિલોમીટરના રસ્તાની આસપાસ અંદાજીત ૫૦૦ હેક્ટરથી વધુ ફળદ્રુપ ખેતરો આવેલા છે, જેમાં શેરડી, તુવર, દિવેલા તેમજ આંબાની બાગાયત જેવો કિંમતી પાક લેવામાં આવે છે. કરજણ ગામ ઉપરાંત કરમાલી, મંગલેશ્વર અને ઈશ્વરી માતા તરફના સેંકડો ખેડૂતો માટે ખેતીના સાધનો, ટ્રેક્ટર અને પાક લાવવા-લઈ જવા માટે આ રસ્તો એકમાત્ર આશીર્વાદરૂપ માર્ગ છે.
ખેતી ઉપરાંત, શુકલતીર્થ નર્મદા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા આવતા માસૂમ બાળકો માટે પણ આ એકમાત્ર સુલભ અને સલામત રસ્તો હતો. પરંતુ હાલ રસ્તો બિસ્માર હોવાથી વિદ્યાર્થીઓને કાદવ-કીચડ અને ખાડાઓમાંથી પસાર થવું પડે છે, જેનાથી વાલીઓમાં ભારે રોષ છે. રસ્તાના અભાવે ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી, પરિણામે ઘણી બધી જમીનો લાંબા સમયથી પડતર પડી રહી છે.
રસ્તાની સાથે ખેડૂતો માટે બીજી વણઉકલેલી સમસ્યા વરસાદી કાંસની છે. કડોદના મોટા નાળામાંથી પસાર થતો આ કુદરતી કાંસ આસપાસના અનેક ગામો અને ખેતરોના ચોમાસાના પાણીનો નર્મદા નદીમાં સલામત નિકાલ કરે છે. ઘણા વર્ષો પહેલા આ કાંસમાંથી ઝાડી-ઝાંખરા સાફ કરવામાં આવ્યા હતા અને માટી કાઢીને તેને ઊંડો કરાયો હતો.
પરંતુ લાંબા સમયથી સફાઈ ન થતાં હાલ આ કાંસ ઝાડીઓ અને ધોવાઈને આવેલી માટીથી સંપૂર્ણપણે પુરાઈને છીછરો બની ગયો છે. પરિણામે, ચોમાસામાં વરસાદી પાણી નદીમાં જવાને બદલે ઉલટું ખેતરોમાં ફરી વળે છે અને ખેડૂતોના ઉભા પાકનો સોથ વાળી દે છે. એટલું જ નહીં, ચોમાસું પૂરું થયા પછી પણ ૩ થી ૪ મહિના સુધી ખેતરો બેટમાં ફેરવાયેલા રહે છે. પાણી સુકાતા ન હોવાથી સમયસર ‘વરાપ’ થતી નથી અને ખેડૂતો સીઝનનો પાક લઈ શકતા નથી.
વિસ્તારના તમામ ખેડૂતો અને ગ્રામજનોએ એકસુરે તંત્રને નમ્ર અપીલ સહ ઉગ્ર માંગણી કરી છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અથવા પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અંતર્ગત આ બાબતને અગ્રતા આપવામાં આવે. રોડની આસપાસ ઉગી નીકળેલા નડતરરૂપ ઝાડી-ઝાંખરા દૂર કરી, ડામર માર્ગનું તાત્કાલિક ધોરણે નવેસરથી રી-કાર્પેટિંગ કરવામાં આવે અને વરસાદી કાંસની જેસીબી મશીન વડે ઊંડી સફાઈ કરવામાં આવે, જેથી આ વિસ્તારના વિકાસને ફરી વેગ મળી શકે.





