ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલા જેટકો (GETCO)ના 66 KV રાંદેરી સબ-સ્ટેશનમાં આજે અચાનક એકાએક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સબ-સ્ટેશનમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઊંચે ઉડતી જોઈને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓમાં ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. આગની ગંભીરતાને જોતાં એક પછી એક એમ કુલ ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત સાથે આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

સબ-સ્ટેશનમાં લાગેલી આ ભીષણ આગને કારણે સુરક્ષાના પગલે તેમજ ટેકનિકલ ખામી સર્જાતા આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અચાનક પાવર ગુલ થઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક આશંકા સેવવામાં આવી રહી છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, અને તંત્ર દ્વારા વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here