નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ નવા બીટ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવતા શિક્ષણ જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. જેમાં તિલકવાડા બીટ નિરીક્ષક તરીકે હિતેન્દ્રસિંહ બારીયા, ગરુડેશ્વર બીટ નિરીક્ષક તરીકે છાયાબેન પટેલ અને ડેડીયાપાડા બીટ નિરીક્ષક તરીકે શંકરભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે.

ડેડીયાપાડા બીટ નિરીક્ષક તરીકે નિમણૂક પામેલા શંકરભાઈ વસાવા અગાઉ ડેડીયાપાડા કન્યા તાલુકા શાળામાં HTAT આચાર્ય તરીકે પોતાની ફરજ બજાવતા હતા. શિક્ષણ ક્ષેત્રે તેમના અનુભવ અને કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિમણૂકથી ડેડીયાપાડા તાલુકાના શિક્ષકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
બીજી તરફ હિતેન્દ્રસિંહ બારીયા અગાઉ તિલકવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના મંત્રી તરીકે કાર્યરત છે, જ્યારે છાયાબેન પટેલને ગરુડેશ્વર બીટ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ત્રણેય નવનિયુક્ત બીટ નિરીક્ષકોને નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જિલ્લા અને તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંગઠનના સભ્યો તેમજ શિક્ષક મિત્રોએ હાર્દિક અભિનંદન પાઠવ્યાં છે. સાથે જ તેઓ પોતાની નવી જવાબદારી નિષ્ઠા, પ્રામાણિકતા અને કાર્યદક્ષતાથી નિભાવી શિક્ષણની ગુણવત્તા સુધારવા તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં ઉત્તમ કામગીરી કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
નર્મદા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ત્રણેય નવી નિમણૂકોને આવકારવામાં આવી રહી છે અને શિક્ષણ જગતમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.





