વાગરાની આરોગ્ય ચોકડી નજીક આવેલા આદિલ રેસ્ટોરન્ટની સામે બે બાઇક સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજાગ્રસ્તોને વધુ સારવારની જરૂરિયાત જણાતાં તેમને વધુ સારવાર માટે ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આરોગ્ય ચોકડી નજીક સર્જાયેલા આ અકસ્માતે વાહનચાલકોની સુરક્ષા અને માર્ગ પર સાવચેતી રાખવાની જરૂરિયાત સામે ફરી સવાલો ઊભા કર્યા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here