ભરૂચ RTO તંત્ર દ્વારા મોટર વ્હીકલ એક્ટ સહિત વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ લાંબા સમયથી ડિટેઈન કરીને કચેરી પરિસરમાં જપ્ત રાખવામાં આવેલા કુલ 14 જેટલા બિનવારસી અને ડિટેઈન્ડ વાહનોના નિકાલ અર્થે જાહેર હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ લીલામી પ્રક્રિયામાં સ્ક્રેપ અને ઓટોમોબાઈલ ક્ષેત્રના ખરીદદારો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં તમામ 14 વાહનો માટે રૂ. 2,47,000ની અનામત ડિપોઝિટ સામે કુલ રૂ. 37,89,642ની સર્વોચ્ચ બોલીઓ નોંધાઈ હતી. અગાઉ જમા થયેલી ડિપોઝિટ બાદ કરતાં આરટીઓ તંત્રને બાકી પેટે કુલ રૂ. 35,42,642 જેટલી આવક પ્રાપ્ત થશે.
આ હરાજીમાં 50+1 સીટર બસ સૌથી વધુ રૂ. 4,77,786માં તેમજ ટ્રક રૂ. 4,75,999ની ઊંચી કિંમતે વેચાયા હતા. આ ઉપરાંત અન્ય વાહનો ઊંચી કિંમતે નીલામ થયા હતા.
વર્ષોથી ધૂળ ખાતા વાહનોની પારદર્શક હરાજીથી સરકારી તિજોરી ભરાવા સાથે આરટીઓ પરિસરમાં પાર્કિંગની જગ્યા પણ ખુલ્લી થશે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસમાં પણ આવા જપ્ત કરેલા બિનવારસી વાહનોની હરાજી કરવાનું આયોજન કરવામાં આવશેનું જણાવાયું છે.





