દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સામે આવ્યો છે. રસ્તા પર છેલ્લા બે દિવસથી વગર કોઈ ચેતવણી કે સિગ્નલ વગર ઊભેલી ટ્રકની પાછળ ધસમસતી આવી રહેલી ઈલેક્ટ્રિક કાર ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર 7 વર્ષની બાળકી અને તેની માતાનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવાર રાજસ્થાનથી ધાર્મિક સ્થાનકના દર્શન કરીને કાર મારફતે મુંબઈ તરફ જઈ રહ્યો હતો. પાદરા નજીકના એક્સપ્રેસવે પરથી પસાર થતી વેળાએ, આગળ રસ્તા પર બંધ પડેલી ટ્રક કારચાલકની નજરે પડે તે પહેલાં જ મિડ-સાઇઝ વિન્ડસર EV કાર ધડાકાભેર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ડૂચા નીકળી ગયા હતા અને અંદર બેઠેલા તમામ છ મુસાફરો લોખંડના પતરાં વચ્ચે બુરી રીતે ફસાઈ ગયા હતા.

અકસ્માતનો ધડાકો સાંભળીને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે રોકાઈ ગયા હતા. ઘટના અંગે પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી.

કારમાં કચડાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર ફાયટર્સે હાઈડ્રોલિક કટર અને સ્પેશિયલ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો પડ્યો હતો. આશરે બે કલાક સુધી ચાલેલી ભારે મશક્કત બાદ કારના ભાગો કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કમનસીબે, 7 વર્ષની માસૂમ બાળકી અને તેની માતાએ જીવ ગુમાવી દીધો હતો. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ગંભીર હોનારત બાદ હાઇવે સિક્યોરિટી અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એક્સપ્રેસવે પર 24 કલાક સતત પેટ્રોલીંગ કરવાનો દાવો કરવામાં આવે છે, તેમ છતાં બે-બે દિવસ સુધી રસ્તા પર બંધ પડેલું વાહન કેમ હટાવવામાં ન આવ્યું?
બંધ પડી ગયેલી ટ્રકની પાછળ કોઈ સાવચેતીના બોર્ડ કે રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે રાત્રિ કે વહેલી સવારના સમયે સ્પીડમાં આવતા વાહનચાલકને બંધ વાહન દેખાવું મુશ્કેલ બની જાય છે.





