ભરૂચ જિલ્લામાં દિવાળી દરમિયાન પ્રદૂષણ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને ફટાકડાના ઉપયોગ અને ખરીદ-વેચાણ પર કડક નિયંત્રણો મૂકાયા છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી દિવાળીના દિવસે ફટાકડા માત્ર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી, એટલે કે બે કલાક જ, ફોડવાની મંજૂરી રહેશે.
વધુ ધુમાડો અને અવાજ કરતા ફટાકડા, ઝેરી બેરિયમયુક્ત સામગ્રીવાળા ફટાકડા, તેમજ વિદેશી ફટાકડા રાખવા, વેચવા કે ફોડવા પર પ્રતિબંધ રહેશે. ઇ-કોમર્સ સાઇટ્સ દ્વારા ભરૂચ જિલ્લામાં ફટાકડાનું ઑનલાઇન વેચાણ અથવા ઑર્ડર પર પણ રોક લગાવાઈ છે.
સ્કાય લેન્ટર્ન અને ચાઈનીઝ તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. હોસ્પિટલ, દવાખાના, શાળા અને અદાલતથી 100 મીટરનો વિસ્તાર સાયલન્સ ઝોન રહેશે.બજારો, સાંકડી ગલીઓ, પેટ્રોલ પંપ અને ગેસ બોટલિંગ પ્લાન્ટ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. માત્ર PESO-માન્ય ગ્રીન ફટાકડા વેચી શકાશે. ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરાશે.





