સુરત શહેરમાં વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભેસ્તાન વિસ્તારમાં મારામારી અને ચપ્પુથી હુમલાના ગુનામાં સંડોવાયેલી હોવાનું જણાવાતી ઇમરાન ઉર્ફે મુડી ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, 2015 (GUJCTOC) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટ દ્વારા GUJCTOCની કલમો ઉમેરવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી અન્ય હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.
17 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 10 વાગ્યે ભેસ્તાનના ઉન પાટિયા વિસ્તારમાં આવેલી સાલીમાર ઝૂંપડપટ્ટીમાં એક યુવકને પેશાબ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ઇમરાન ઉર્ફે મુડી અને તેના સાગરીતો ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્ર સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ફરિયાદીને માર મારવામાં આવ્યો હોવાનો અને તેના બંને હાથ પકડી જમીન પર પાડી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
આ દરમિયાન ઇમરાન ઉર્ફે મુડીએ પોતાની પાસે રહેલા ચપ્પુથી ફરિયાદીના ડાબા પગની જાંઘના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. સાથે જ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આરોપ છે. ઘટનાને પગલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 18 જૂન, 2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ઇમરાન ઉર્ફે મુડી અને તેના સાગરીતો અગાઉથી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી હતી. આ ટોળકીના સભ્યો સામે મારામારી, ગંભીર ઇજા, ચોરી, હથિયારો અને NDPS કાયદા હેઠળના ગુનાઓ સહિતના વિવિધ કેસ નોંધાયેલા છે.





