ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જંબુસરના કોટ દરવાજા વિસ્તારમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખના સાસુને નિશાન બનાવી એક અજાણ્યો ગઠિયો તેમની ૪ તોલા સોનાની બંગડીઓ આંચકીને ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટના જંબુસર પોલીસ ચોકીથી માત્ર ૧૦૦ મીટરના અંતરે બનતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના બપોરે આશરે ૧૨ વાગ્યાની આસપાસ બની હતી. પૂર્વ નગરપાલિકા પ્રમુખના સાસુ જ્યારે હાજર હતા, ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો. તેણે પહેલાં ₹૨૦ના ફૂલની માંગણી કરી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ ₹૫,૦૦૦ રોકડા આપીને આ પૈસા ફૂલની અંદર રાખવા માટે કહ્યું હતું.વૃદ્ધા કંઈ સમજે તે પહેલાં જ ગઠિયાએ શરત મૂકી કે, “તમે હાથમાં જે સોનાની બંગડીઓ પહેરેલી છે, તે ઉતારીને આ ટોપલીમાં મૂકી દો.” વૃદ્ધાએ બંગડીઓ ઉતારી ટોપલીમાં મૂકતાની સાથે જ શાતિર ઠગે નજર ચૂકવીને ટોપલીમાં મૂકેલા ₹૫,૦૦૦ અને વૃદ્ધાની ૪ તોલા સોનાની બંગડીઓ ઉઠાવી લીધી હતી અને પલકારામાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.
આશ્ચર્યની વાત એ છે કે જ્યાં આ ઘટના બની તે સ્થળથી જંબુસર પોલીસ ચોકી માત્ર ૧૦૦ મીટર દૂર આવેલી છે. ધોળા દિવસે અને પોલીસની નાકની નીચે બનેલી આ ઘટનાને પગલે જંબુસર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી દીધી છે. હાલમાં પોલીસ દ્વારા કોટ દરવાજા અને તેની આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ફંફોસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી આ ઠગબાજ કઈ દિશામાં ભાગ્યો તેની કડી મેળવી શકાય.





