ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી એક મોટી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો પર્દાફાશ કરી ૧.૯૭ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી દીપકકુમાર વસાવાને ઝડપી પાડ્યો છે. આ ચોરીની ઘટનામાં અન્ય બે સગીર વયના કિશોરો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૭ ઓક્ટોબરના રોજ નેત્રંગના થવા ગામે રહેતા મહેન્દ્રભાઈના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ ઘરફોડ ચોરી અંગે ફરિયાદ નોંધાતા જ નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. વણઝારા અને તેમની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ શખ્સો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

પોલીસની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપી દીપકકુમાર વસાવા પોલીસના સિંકાજામાં આવી ગયો હતો. તેની આકરી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું કે તેણે પોતાના બે સગીર મિત્રો સાથે મળીને આ ચોરીનો આખો પ્લાન ઘડ્યો હતો. આ ત્રિપુટીએ રાત્રે આશરે ૧૦ વાગ્યાની આસપાસ મહેન્દ્રભાઈના મકાનમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી સોનાની ચેઇન, સોનાનું લોકેટ, સોનાની વીંટી, બે નંગ મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલું મોપેડ વાહન તેમજ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને બેંક પાસબુક સહિત કુલ ₹૧,૯૭,૬૭૪/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે મુખ્ય આરોપી દીપકકુમાર વસાવા અને સંડોવાયેલા બંને સગીરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની વધુ તપાસ શરૂ કરી છે.





