ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-3માં સામંતપોર સ્થિત પ્લોટ નંબર 23/23-A ખાતે આવેલી ATC TIRES PVT. LTD. કંપનીની ચીમનીમાંથી એકદમ પીળા રંગના ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાનો મામલો સામે આવ્યો છે. ચીમનીમાંથી નીકળતો આટલો સ્પષ્ટ રંગીન ધુમાડો જોતા જ ઔદ્યોગિક એકમોમાં પર્યાવરણના નિયમોનું કેટલું પાલન થઈ રહ્યું છે, તે અંગે ગંભીર સવાલો ઊભા થાય છે. ધુમાડાનો રંગ જોઈને તેમાં કયા રસાયણો કે પ્રદૂષક તત્ત્વો છે તે નક્કી કરી શકાય તેમ નથી, પરંતુ આ બાબતની વૈજ્ઞાનિક તપાસ કરાવવી અને હકીકત જાહેર કરવી હવે સંબંધિત તંત્રની જવાબદારી બને છે.
સાયખા GIDCમાં વિવિધ કંપનીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને લઈને સવાલો ઊઠતા રહ્યા છે, ત્યારે હવે દહેજ GIDCમાંથી પણ આવા દૃશ્યો સામે આવતાં ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. શું ઔદ્યોગિક વિકાસની આડમાં પર્યાવરણની સુરક્ષાને ગૌણ બનાવી દેવામાં આવી છે? જો કોઈ કંપનીની ચીમનીમાંથી જાહેરમાં દેખાય તે રીતે પીળા રંગનો ધુમાડો નીકળતો હોય, તો શું પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ નહીં? માત્ર કાગળ પરની કામગીરીથી પર્યાવરણનું રક્ષણ થવાનું નથી, સ્થળ પરની વાસ્તવિક સ્થિતિની તપાસ અને પ્રયોગશાળાના પરિણામો જ હકીકત સ્પષ્ટ કરી શકે છે.
સૌથી મોટો સવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે છે. શું તંત્ર આ પ્રકારની ઘટનાઓની ગંભીરતાથી નોંધ લેશે કે પછી ફરિયાદો અને રજૂઆતો બાદ જાગશે? કંપનીની ચીમનીમાંથી નીકળતા ધુમાડાના નમૂના લઈ તેમાં રહેલા પ્રદૂષક તત્ત્વોની તપાસ કરવામાં આવશે? કંપનીની ચીમની, ઉત્સર્જન નિયંત્રણની વ્યવસ્થા અને પર્યાવરણીય મંજૂરીઓની શરતોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે? જો નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય, તો જવાબદાર એકમ સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે? આ સવાલોના જવાબ હવે માત્ર નિવેદનોથી નહીં, પરંતુ પારદર્શક તપાસ અને પરિણામલક્ષી પગલાંથી મળવા જોઈએ. ચીમનીમાંથી નીકળતો ધુમાડો બહારથી દેખાઈ જાય છે, પરંતુ કંપનીની અંદરની પ્રક્રિયાઓમાં પર્યાવરણ અને સલામતીને લગતી કોઈ ખામી છે કે નહીં તે માત્ર દૃશ્યના આધારે કહી શકાય નહીં. આ માટે સક્ષમ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ જરૂરી છે.





