મહિલા સુરક્ષા અને સંવેદનશીલ સેવાના ભાગરૂપે મહિલા અભયમ 181 દ્વારા 7 ઓક્ટોબર, 2026ના રોજ નર્મદા જિલ્લામાં રાજપીપળા જકાત નાકા પાસેથી મળી આવેલી અજાણી મહિલાને આશ્રય અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને રાજપીપળા ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટર (OSC) ખાતે આશ્રય માટે લાવવામાં આવી હતી.

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે મહિલા મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ઠીકરી તાલુકાના કેરવા ગામની રહેવાસી છે. મહિલા પરણિત છે અને તેમનું સાસરીનું ગામ દાહોદ જિલ્લાના લીમડી તાલુકાનું લીલવા ઠાકોર છે.

મહિલાના પતિ તેમજ લીમડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે મહિલા છેલ્લા દોઢ વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે. ત્યારબાદ મહિલાના વતન મધ્યપ્રદેશના બડવાની પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. મહિલાના માતા-પિતા સાથે સંપર્ક કરીને તેમની ઓળખની ખરાઈ કરવામાં આવી હતી.

જરૂરી સંપર્ક અને ઓળખની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 9 ઓક્ટોબર, 2026ના રોજ મહિલાને તેમના માતા-પિતા સાથે રાજીખુશીથી મોકલી આપવામાં આવી હતી. આ રીતે સખી વન સ્ટોપ સેન્ટર, રાજપીપળા દ્વારા મહિલાને તેમના પરિવાર સુધી પહોંચાડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરીમાં સખી વન સ્ટોપ સેન્ટરનાં કેન્દ્ર સંચાલક હિરલ વસાવાની દેખરેખ હેઠળ મહિલાને આશ્રય, કાઉન્સેલિંગ અને પરિવાર સાથે પુનઃસંપર્ક સ્થાપિત કરવામાં જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here