ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા રમત સંકુલ ખાતે આજરોજ સ્વચ્છતા તથા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા તેમજ સ્વચ્છ, સુંદર અને હરિયાળું પર્યાવરણ ઊભું કરવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રમત સંકુલ ખાતે ઉપસ્થિત ખેલાડીઓ, કર્મચારીઓ તથા રમતગમત સાથે સંકળાયેલા સૌને સ્વચ્છતાની શપથ લેવડાવવામાં આવ્યા હતા. સૌએ પોતાના ઘર, કાર્યસ્થળ તથા જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા તેમજ અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ જિલ્લા રમત સંકુલના કચેરી પ્રાંગણ, રમતના મેદાનો તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

કર્મચારીઓ તથા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈ કચરો એકત્ર કરી યોગ્ય રીતે તેનો નિકાલ કર્યો હતો. સમગ્ર સંકુલને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે જરૂરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન બાદ જિલ્લા રમત સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તથા કર્મચારીઓ અને ખેલાડીઓની ઉપસ્થિતિમાં વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે તે સંદેશ સાથે સંકુલને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

વૃક્ષારોપણ દરમિયાન ખેલાડીઓ અને કર્મચારીઓને વૃક્ષોના જતન અને સંરક્ષણ માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા. માત્ર વૃક્ષારોપણ કરવું જ નહીં પરંતુ વાવેલા વૃક્ષોની નિયમિત કાળજી અને જાળવણી કરવી એ પણ આપણી સામૂહિક જવાબદારી છે તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વોર્ડ નં. ૯ના નગર સેવક અતુલભાઈ મિસ્ત્રી, સતીષભાઈ મિસ્ત્રી, શ્રીમતી રોહિણીબેન સારંગ અને શ્રીમતી ભારતીબેન વસાવા, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ, જિલ્લા રમત સંકુલ સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ વિવિધ રમતગમતના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જિલ્લા રમત સંકુલને સ્વચ્છ, સુંદર, હરિયાળું અને ખેલાડીઓ માટે સ્વસ્થ વાતાવરણ પૂરું પાડતું સ્થળ બનાવવા માટે સૌએ સાથે મળીને સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here