આમોદમાં વાહનના રજિસ્ટ્રેશન નંબર સાથે ચેડાં કરી બોગસ નંબર પ્લેટ ઊભી કરવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. આમોદ-જંબુસર રોડ પર આવેલી એક કંપનીમાંથી સ્ટીલનો ભંગાર ભરવા માટે મંગાવવામાં આવેલી ટ્રકની અસલી નંબર પ્લેટના છેલ્લા આંકડામાં સ્ટીકર લગાવી નંબર બદલી નાખવામાં આવ્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે.

આ મામલે વડોદરા સ્થિત શ્રી બાલાજી મેટલ પ્રા. લિ. કંપનીના બે ડાયરેક્ટર, મુંબઈના એક ટ્રાન્સપોર્ટર અને વડોદરાના અન્ય એક શખ્સ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે આમોદ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ એલ.સી.બી.ના એ.એસ.આઈ. ઈરફાન અબ્દુલસમદના રિપોર્ટના આધારે હાથ ધરાયેલી તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. ગત તા. ૨૩ નવેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧ વાગ્યાથી તા. ૨૪ નવેમ્બરના મધરાતના ૧૨:૩૦ વાગ્યા દરમિયાન આમોદ-જંબુસર રોડ પર કનૈયા હોટલ નજીક આવેલી એસીયાટીક ઈન્ફ્રાટેક પ્રા.લિ. કંપનીમાંથી સ્ટીલનો ભંગાર ભરવા માટે બે ટાટા ટ્રકો મંગાવવામાં આવી હતી.

આ ટ્રકો વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રી બાલાજી મેટલ પ્રા.લિ.કંપનીના ડાયરેક્ટર મુકેશ બજરંગલાલ સુથાર અને બજરંગલાલ ભેરારામ સુથાર દ્વારા મુંબઈના માનખુર્દ વિસ્તારના ટ્રાન્સપોર્ટર નુર મહમંદ શેખ પાસેથી મંગાવવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.બંને ટ્રકોના રજિસ્ટ્રેશન નંબર MH-03 ES 4251 અને MH-03 ES 4252 હતા.જોકે, આ સમગ્ર વ્યવહારમાં ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના ઇરાદે ટ્રકની નંબર પ્લેટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસ તપાસ મુજબ, મુકેશ બજરંગલાલ સુથાર અને વડોદરાના પ્રથમભાઈ સુરેશભાઈ સાટીયાએ એકબીજાની મદદગારીથી ટ્રક નંબર MH-03 ES 4251ની આગળ તેમજ પાછળ લગાવેલી નંબર પ્લેટમાં છેલ્લા આંકડા ‘1’ ઉપર અંગ્રેજી આંકડા ‘2’નું સ્ટીકર ચોંટાડી દીધું હતું. પરિણામે અસલી નંબર 4251ને બદલીને 4252 તરીકે દર્શાવવામાં આવ્યો હતો.

આમ, નંબર પ્લેટમાં સામાન્ય દેખાતા સ્ટીકરના ઉપયોગથી વાહનની ઓળખ જ બદલી નાખી બોગસ નંબરને અસલી તરીકે ઉપયોગમાં લેવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.આ મામલે આમોદ પોલીસ સ્ટેશનના અ.હે.કો. વિજયભાઈ દાનાભાઈની ફરિયાદના આધારે પોલીસે વડોદરાના માંજલપુર રોડ પર સમન્વય સિક્વન્સ ખાતે રહેતા મુકેશ બજરંગલાલ સુથાર અને બજરંગલાલ ભેરારામ સુથાર, મુંબઈના માનખુર્દ વિસ્તારના ટ્રાન્સપોર્ટર નુર મહમંદ શેખ તેમજ વડોદરાના પ્રથમભાઈ સુરેશભાઈ સાટીયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) અને ૬૧(૨)(એ) મુજબ ગુનો નોંધ્યો છે.

આ રીતે વાહનની અસલી નંબર પ્લેટમાં ફેરફાર કરી ખોટો રજિસ્ટ્રેશન નંબર ઊભો કરવાના કિસ્સાએ વાહન વ્યવહારમાં થતી ગેરરીતિઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસે સમગ્ર મામલે ચારેય આરોપીઓની ભૂમિકા, નંબર પ્લેટમાં ચેડાં કરવા પાછળનો હેતુ અને આ કૃત્યમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here