અંકલેશ્વર તાલુકાના નાના બોરબાઠા બેટ ગામે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા ૬ વર્ષથી જમીન સંપાદનનું વળતર ન મળતા અને જમીન દફ્તરમાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ એકત્ર થઈને બેરેજનું કામ અટકાવી દીધું હતું.
ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે તંત્ર દ્વારા અંદાજે ૧૫૦ જેટલા સર્વે નંબરની તેમની માલિકીની જમીન કોઈપણ યોગ્ય નિકાલ વગર સરકારી ખાતે ચડાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, મહેસૂલી રેકર્ડમાં મોટી ભૂલો હોવાનું જણાવતા ખેડૂતોએ કહ્યું કે એક જ જમીનની બે અલગ-અલગ નકલો નીકળી રહી છે, જેના કારણે તેઓ પોતાના જ હકથી વંચિત રહી ગયા છે.
આ સમગ્ર જમીન વિવાદ હાલ નામદાર હાઈકોર્ટમાં વિચારાધીન છે. તેમ છતાં, તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને પ્રોજેક્ટનું કામ ફરી શરૂ કરવામાં આવતા ખેડૂતો ભડક્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર પહોંચી ગયા હતા અને જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે અને બાકી વળતર ન ચૂકવાય ત્યાં સુધી કામગીરી બંધ રાખવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને જોતા સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મધ્યસ્થી કરી હતી. પોલીસે ખેડૂતો અને પ્રોજેક્ટના અધિકારીઓ વચ્ચે સમજાવટનો પ્રયાસ કરતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે, પરંતુ ખેડૂતો પોતાના ન્યાય અને વળતરની માંગ પર મક્કમ છે.






