હાંસોટ તાલુકાના ઇલાવ ગામ નજીક ખરચ સ્થિત બિરલા સેલ્યુલોઝિક કંપનીની પ્રદૂષિત પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આશરે 25 કિલોમીટર લાંબી આ પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે ક્ષારયુક્ત અને પ્રદૂષિત પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે, તેમજ વરસાદી કાંસમાં પણ આશરે એક કિલોમીટર સુધી વહ્યું છે.
હાલમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં પાણી બંધ હોવાથી ખેડૂતો પહેલેથી જ સિંચાઈના પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. તેવામાં પ્રદૂષિત પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેતીની જમીન બિનઉપજાઉ બનવાની અને પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિક ખેડૂત ધનેશ પટેલે વ્યથા ઠાલવતા જણાવ્યું કે, તેમણે ભાતનું તરુ રોપવા માટે જમીન તૈયાર કરી હતી અને વરાપ આવવાની રાહ જોઈ રહ્યા હતા. તે જ સમયે કંપનીની લાઇનનું ક્ષારયુક્ત પાણી ખેતરમાં ફરી વળતા હવે રોપણી શક્ય નથી. અન્ય એક ખેડૂત રાકેશ પરમારે આક્ષેપ કર્યો કે, અગાઉ લાઇન નાખતી વખતે કંપનીએ રોજગારીની ખાતરી આપી હતી, જે આજદિન સુધી પૂરી થઈ નથી. અગાઉ કંપનીએ નુકસાનના પુરાવા માગ્યા હતા, પરંતુ અત્યારે આ ભંગાણથી થયેલી તબાહી કંપનીની નજર સામે જ છે. ખેડૂતોએ તાત્કાલિક વળતરની માગ કરી છે.

બીજી તરફ, કંપનીના પ્રતિનિધિ આનંદસિંહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, એટીપી પ્લાન્ટમાંથી નીકળતા પાણીની લાઇનમાં ભંગાણની જાણ થતાં જ સમારકામની સૂચના આપી દેવામાં આવી છે. તેમણે કંપનીની નીતિ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી પણ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here