ભરૂચના જાણીતા સામાજિક કાર્યકર અને ‘સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશન’ના સ્થાપક નીતિન ટેલરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા ‘રેક્સ કર્મવીર ચક્ર એવોર્ડ-2026’ના સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યા છે. iCongo અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના સંયુક્ત ઉપક્રમે 26 નવેમ્બરના રોજ ફરીદાબાદ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આ વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
યુવા સશક્તિકરણ, સામાજિક ઉદ્યમશીલતા અને ‘નર્મદા પ્રેરણા યાત્રા’ના માધ્યમથી સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવાના તેમના નોંધપાત્ર પ્રયાસો બદલ આ મેડલ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2024માં પણ તેમને આ જ શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો, અને હવે સિલ્વર મેડલ મેળવીને તેમણે ભરૂચનું નામ ફરી એકવાર રોશન કર્યું છે.
નીતિન ટેલર અમેરિકાની એક નામાંકિત મોબાઇલ ટેક્નોલોજી કંપનીની આકર્ષક નોકરી છોડીને માતૃભૂમિ ભરૂચ પરત ફર્યા હતા. ત્યારથી તેમણે પોતાનું જીવન સમાજસેવા, મહિલા ઉત્થાન, ગ્રામ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા ઉમદા કાર્યોમાં સમર્પિત કર્યું છે. તેમના દ્વારા શરૂ કરાયેલી ‘નર્મદા પ્રેરણા યાત્રા’ અંતર્ગત અત્યાર સુધીમાં 20થી વધુ યાત્રાઓ સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે, જેમાં દેશના 18થી વધુ રાજ્યોના 300થી વધુ યુવાનો અને વ્યાવસાયિકો જોડાઈને સમાજ પરિવર્તનની પ્રેરણા મેળવી ચૂક્યા છે.
આ એવોર્ડ સમારોહમાં નીતિન ટેલરની મુખ્ય વક્તા તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી. તેમણે વિશ્વભરમાંથી ઉપસ્થિત રહેલા ચેન્જમેકર્સ સમક્ષ ‘નર્મદા પ્રેરણા યાત્રા’ની સફર, પોતાના અનુભવો અને યુવાનોમાં સામાજિક જવાબદારીની ભાવના કેળવવા અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. પોતાની આ સિદ્ધિનો શ્રેય તેમણે મા નર્મદાના આશીર્વાદ, પરિવારજનો, સહયોગીઓ અને સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશનના તમામ સ્વયંસેવકોને અર્પણ કર્યો છે.






