કરજણ નગરના જૂનાબજાર વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના બનતા રહી ગઈ હતી, જેમાં કરજણ ફાયર વિભાગની સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક યુવાનનો અમૂલ્ય જીવ બચી ગયો છે.

મળતી માહિતી મુજબ, જૂનાબજાર વિસ્તારમાં આવેલી રામવાડી કેનાલની બાજુમાં રેલવે લાઈનના મોટા અને અત્યંત ભારે બ્લોક મૂકવામાં આવ્યા છે. આ બ્લોક ઉપરથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન બગડતા ભારેખમ બ્લોક ઢસડી પડ્યો હતો. આ અકસ્માતમાં યુવાનના બંને પગ મહાકાય બ્લોકની નીચે ગંભીર રીતે ફસાઈ ગયા હતા. યુવાનની ચીસો સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ બ્લોક અત્યંત વજનદાર હોવાથી તેને ખસેડવો અશક્ય હતો.

ઘટનાની ગંભીરતાને પારખીને સ્થાનિકોએ તાત્કાલિક ૧૧૨ ઇમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરી હતી. સંદેશો મળતાની સાથે જ કરજણ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ તમામ જરૂરી સાધનો સાથે યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર જવાનોએ પરિસ્થિતિનો તાગ મેળવીને યુવાનને કોઈ વધુ ઈજા ન પહોંચે તે રીતે બહાર કાઢવા માટે અદ્યતન ‘હાઇડ્રોલિક રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ’નો ઉપયોગ કર્યો હતો. ભારે જહેમત અને સઘન રેસ્ક્યુ ઓપરેશન બાદ જવાનોએ ભારે બ્લોકને ઊંચો કરીને યુવાનને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

રેસ્ક્યુ બાદ ઈજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કરજણ ફાયર વિભાગની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here