દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલું દેવઘાટ તેના ગાઢ જંગલો, ખળખળ વહેતા ધોધ અને ધાર્મિક આસ્થા માટે જાણીતું પ્રવાસન સ્થળ છે. ઉમરપાડાથી આશરે ૧૫ કિમી દૂર આવેલા આ નયનરમ્ય સ્થળે પહોંચવું હાલ પ્રવાસીઓ માટે કપરા ચઢાણ સમાન બન્યું છે. દિવતણ ગામથી દેવઘાટ તરફ જતો અંદાજિત ૭ કિલોમીટરનો માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં હોવાથી સહેલાણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રસ્તા પર ઠેરઠેર મોટા ખાડા અને ઉબડખાબડ સપાટીને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને પરિવાર સાથે આવતા મુસાફરો અને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી અને અકસ્માત નોતરનારો સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા આજકાલની નહીં પરંતુ વર્ષોથી યથાવત્ છે.
એક તરફ સરકાર પ્રવાસન સ્થળોના વિકાસની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ત્યાં પહોંચવાના પાયાના માર્ગની જ આવી દુર્દશા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. શું માર્ગ અને મકાન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? પ્રવાસીઓ અને સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી આ માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ હાથ ધરે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડીયાપાડા





