ભરૂચ શહેરમાં સાયબર ઠગોએ મોબાઇલનો રિમોટ એક્સેસ મેળવી બે વ્યક્તિઓના બેંક ખાતામાંથી કુલ રૂ. 1,34,687 ઉપાડી લેતાં ચકચાર મચી છે. બંને કિસ્સામાં નાણાં ટ્રાન્સફર થતા પહેલા મોબાઇલની સ્ક્રીન આપમેળે ચાલુ-બંધ થવાની ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

પ્રથમ બનાવમાં દહેજ બાયપાસ રોડ સ્થિત રંગ પ્લેટીનિયમ બંગ્લોઝમાં રહેતા અને GNFCમાં ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા 34 વર્ષીય નિકુંજ મહેતા ભોગ બન્યા છે. ગત 15 સપ્ટેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર ‘ફ્રીમાં ફિલ્મો અને વેબ સિરીઝ’ જોવાની જાહેરાતની લિંક પર ક્લિક કરતાં તેમના ફોનમાં શંકાસ્પદ એપ ઇન્સ્ટોલ થઈ ગઈ હતી. ત્યારબાદ ફોનની સ્ક્રીન બ્લિંક થવા લાગી અને ફોન આપમેળે ફેક્ટરી ડેટા રીસેટ થઈ ગયો હતો. મોબાઇલ દુકાનેથી ફોન ફરી શરૂ કરાવ્યા બાદ તપાસતાં બંધન બેંકમાંથી યસ બેંકમાં રૂ. 8,800 અને ત્યાંથી અજાણ્યા યુનિયન બેંકના ખાતામાં UPI મારફતે રૂ. 43,000 ટ્રાન્સફર થઈ ગયા હોવાનું ખુલ્યું હતું.

બીજા બનાવમાં ગાયત્રીનગરમાં રહેતા 66 વર્ષીય ઇશ્વરભાઈ મિસ્ત્રીના મોબાઇલની સ્ક્રીન ગત 3 નવેમ્બરે આપમેળે ચાલુ-બંધ થવા લાગી હતી. સોફ્ટવેર અપડેટ કરાવ્યા બાદ ફોનપેમાં બેલેન્સ તપાસતાં ખાતું ખાલી જણાયું હતું. બેંકમાં તપાસ કરતાં તેમના SBI ખાતામાંથી રૂ. 86,169 અને પત્ની સુષ્માબેનના યુનિયન બેંક ખાતામાંથી રૂ. 5,518 મળી કુલ રૂ. 91,687 અજાણ્યા પંજાબ નેશનલ બેંકના ખાતામાં UPIથી ટ્રાન્સફર થયા હતા.

બંને ભોગ બનનારાઓએ 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કર્યા બાદ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે અજાણ્યા ખાતાધારકો સામે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here