ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કરમાડ ગામે જાહેર રસ્તા પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોના મુદ્દે વણકર અને રોહિત સમાજના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામના રસ્તાની બંને બાજુએ શેડ અને છાપરા તાણી દેવાની સાથે આડેધડ વાહનોનું પાર્કિંગ કરવામાં આવતું હોવાથી ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ દબાણોને કારણે ગામમાં યોજાતા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દરમિયાન અવારનવાર વિવાદ અને બોલાચાલીની સ્થિતિ સર્જાય છે, જેનાથી શાંતિ ડહોળાવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યા અંગે અગાઉ મામલતદાર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત સમક્ષ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતાં આખરે સમાજના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

આગેવાનોએ તાત્કાલિક અસરથી દબાણો દૂર કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં કચેરી ખાતે ધરણાં અને ઉપવાસ આંદોલન છેડવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here