આમોદ તાલુકાના રાણીપુરા ગામમાંથી પસાર થતી નહેરમાં અચાનક ગાબડું પડતાં ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નહેરનું પાણી બસ સ્ટેન્ડ પાસેના મુખ્ય માર્ગ પર ફરી વળતાં વહેલી સવારથી જ ગ્રામજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નહેરમાં પડેલા ગાબડાને કારણે મુખ્ય રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારે કામ અર્થે નીકળતા ગ્રામજનો, ખાસ કરીને વૃદ્ધો અને શાળાએ જતા નાના બાળકોને ઠંડા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.

રસ્તા ઉપરાંત નહેરનું પાણી આસપાસના ખેતરોમાં પણ ઘૂસી ગયું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, મહિનાઓની મહેનત બાદ તૈયાર થયેલા પાકમાં પાણી ફરી વળતાં મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.

આ ઘટના પાછળ નહેરમાં ગેરકાયદેસર રીતે ગાબડું પાડવામાં આવ્યું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનો અને ખેડૂતો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે નહેરમાં ગાબડું કોણે પાડ્યું અને સિંચાઈ વિભાગ કે તંત્રને આ અંગે સમયસર જાણ કેમ ન થઈ?
તંત્ર સમક્ષ ગ્રામજનોની મુખ્ય માંગણીઓ:
• નહેરમાં પડેલું ગાબડું તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે.
• નહેરને નુકસાન પહોંચાડનાર જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
• ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here