ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામની સીમમાં તસ્કરોએ GETCO કંપનીની બંધ વીજલાઇનને નિશાન બનાવી અંદાજે 2,184 મીટર એલ્યુમિનિયમના વીજતારની ચોરી કરી છે. ટાવર નંબર 14/2થી 15/00 વચ્ચેના ચાર તાર કાપી લઈ જવામાં આવતાં અંદાજે રૂ. 4.51 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

ભરૂચમાં વીજતાર નાખવાની કામગીરી કરતી ‘ધનરાજ પાવર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના પ્રોજેક્ટ મેનેજર સત્યમભાઈ બુહા (ઉં.વ. 27, મૂળ રહે. દ્વારકા, હાલ રહે. ઝાડેશ્વર) એ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની કંપનીને GETCOના વાગરા સબ સ્ટેશનથી દેહગામ DSS સુધીની 66 KV ડબલ સર્કિટ વીજલાઇન પર કંડક્ટર વાયર નાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
ગત 28 ઓક્ટોબરના રોજ સવારે આશરે 9:30 વાગ્યે સત્યમભાઈ અને કંપનીના સુપરવાઇઝર ધર્મેશભાઈ રાવલ દેત્રાલ ગામની સીમમાં લાઇન પેટ્રોલિંગ માટે ગયા હતા. તે દરમિયાન ટાવર નંબર 14/2થી 14/3 અને 14/3થી 15/00 વચ્ચેના વીજતાર કપાયેલી હાલતમાં જોવા મળ્યા હતા.

સ્થળ પર તપાસ કરતાં કુલ છ વાયરમાંથી ચાર વાયર કાપીને ચોરી કરવામાં આવી હોવાનું જણાયું હતું:
• તારની લંબાઈ: આશરે 546 મીટરના અંતરમાંથી કુલ 2,184 મીટર એલ્યુમિનિયમના તાર
• અંદાજિત વજન: 2,127 કિલોગ્રામ
• કુલ કિંમત: રૂ. 4,51,522

ઘટનાની જાણ થતાં જ GETCOના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નાયબ ઇજનેર એન.સી. ચૌધરીની સૂચના મુજબ, પ્રોજેક્ટ મેનેજર સત્યમભાઈએ 19 નવેમ્બરના રોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ વીજળી અધિનિયમની કલમ 136(1)(A) તથા 136(1)(C) હેઠળ ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here