નર્મદા જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા કરવા અને સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આગામી તા. ૧૮થી ૨૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન નર્મદા જિલ્લાની સંભવિત ૭૨ કલાકની મુલાકાતે આવી રહ્યા છે. આ હાઈપ્રોફાઈલ મુલાકાતને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

મુલાકાત પહેલાં ડેડિયાપાડામાં સફાઈ અને રંગરોગાનની કામગીરી તેજ
નાયબ મુખ્યમંત્રીની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડા નગરમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ બજાર વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નાયબ મુખ્યમંત્રીના રોકાણ માટેના વિશ્રામગૃહમાં પણ રંગરોગાન અને સમારકામ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મુલાકાત પહેલાં સમગ્ર શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા તંત્ર દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.
કલેકટર કચેરી ખાતે પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક
આ સંભવિત મુલાકાતના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર ગંગા સિંઘના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર સી.કે. ઉંધાડે પ્રેઝન્ટેશન (PPT) ના માધ્યમથી ત્રણ દિવસીય સંભવિત પ્રવાસ કાર્યક્રમની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. કલેકટરરે સંબંધિત વિભાગોના અધિકારીઓને મુલાકાત દરમિયાન તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે અને વિભાગો વચ્ચે યોગ્ય સંકલન રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ત્રણ તાલુકાના પ્રશ્નો અને વિકાસકામોની થશે સમીક્ષા
પોતાના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની મુલાકાત લેશે. અહીં તેઓ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કરીને તેમના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળશે. આ સાથે જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વીજળી, રસ્તા, પાણી, પુરવઠો, સિંચાઈ, આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ સહિત વિવિધ જનસુવિધાલક્ષી અને વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરશે.
હવે નાયબ મુખ્યમંત્રીની આ ૭૨ કલાકની મુલાકાત દરમિયાન ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા વિસ્તારના વર્ષોથી પડતર પ્રશ્નો અંગે કેવી રજૂઆતો થાય છે અને તેના નિરાકરણ માટે સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા કેવાં નક્કર પગલાં લેવામાં આવે છે, તેના પર સમગ્ર પંથકના નાગરિકોની મીટ મંડાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here