ભરૂચ જિલ્લાના ધરતીપુત્રો માટે સબસિડીવાળા રાસાયણિક ખાતરની ખરીદી હવે વધુ સરળ અને પારદર્શક બનવા જઈ રહી છે. આગામી ૨૦ નવેમ્બરથી જિલ્લામાં ખાતર વિતરણ માટે ‘ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ’ (FFS) નામની નવી ડિજિટલ સિસ્ટમ અમલી બનશે. આ નવી વ્યવસ્થાના કારણે ખેડૂતોને ખાતર માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

આ નવતર પહેલ હેઠળ ભરૂચ જિલ્લાના ખેડૂતો પોતાના સ્માર્ટફોનમાં મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાની જરૂરિયાત મુજબના ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકશે. ખેડૂતો પોતાના આધાર નંબર અથવા ફાર્મર આઈડીની મદદથી એપમાં લોગ-ઈન કરી શકશે. ત્યારબાદ તેઓ પોતાની જમીનના સર્વે નંબર મુજબ મળવાપાત્ર ખાતરનો ક્વોટા મેળવી શકશે.

નવી એપ્લિકેશનમાં ખેડૂતોને નજીકના કયા ડીલર કે સહકારી મંડળી પાસે યુરિયા અને ડીએપી સહિતના ખાતરનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે તેની સચોટ માહિતી જોવા મળશે. ઓનલાઈન બુકિંગ પૂર્ણ થયા બાદ એપમાં એક ટોકન નંબર અથવા ક્યુઆર (QR) કોડ જનરેટ થશે. ખેડૂતો આ ટોકન નંબર કે ક્યુઆર કોડ દુકાનદારને બતાવીને કોઈપણ પ્રકારની રાહ જોયા વગર સીધું જ ખાતર મેળવી શકશે.
• બુકિંગના ૪૮ કલાકમાં ખરીદી કરવી ફરજિયાત
ખાતર વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ અટકાવવા અને જરૂરિયાતમંદ ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખાતર બુક કરાવ્યા બાદ ખેડૂતોએ ફરજિયાતપણે ૨ દિવસ (૪૮ કલાક)ની સમયમર્યાદામાં સંબંધિત ડીલર પાસેથી ખાતરનો જથ્થો ઉપાડી લેવાનો રહેશે. જો નિર્ધારિત ૪૮ કલાકમાં ખાતરની ખરીદી કરવામાં નહીં આવે, તો સિસ્ટમ દ્વારા તે ઓર્ડર આપોઆપ રદ કરી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here