ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છેલ્લા 32 વર્ષથી આસ્થા અને શ્રદ્ધાપૂર્વક છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા, આ વર્ષે પણ ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે ભવ્ય ચાર દિવસીય છઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં જિલ્લાભરમાંથી 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય તેવી અપેક્ષા છે.

દિનકર સેવા સમિતિના નેજા હેઠળ આ સમગ્ર મહોત્સવનું આયોજન હાથ ધરાયું છે. શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે નર્મદા પાર્ક ઓવારા ખાતે વિશાળ મંડપ, લાઇટિંગ અને પૂજા માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓ સહિતની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

ઉત્તર ભારતીય પરિવારો માટે છઠ પૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. આ પર્વ દરમિયાન વ્રતધારીઓ પવિત્ર નર્મદા નદીના પાણીમાં ઊભા રહીને અસ્ત થતા અને ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે, અને પોતાના પરિવારની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
મહોત્સવની વિગતો આપતા દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે, ચાર દિવસીય છઠ મહોત્સવનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. પૂજાના ક્રમ મુજબ પ્રથમ દિવસે ‘નહાય-ખાય’, બીજા દિવસે ‘ખરના’, ત્રીજા દિવસે ‘સંધ્યા અર્ઘ્ય’ અને ચોથા દિવસે ઉગતા સૂર્યને ‘પ્રાતઃ અર્ઘ્ય’ અર્પણ કરવામાં આવશે, ત્યારબાદ આ મહાપર્વનું સમાપન થશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક વહીવટી તંત્રના સંપૂર્ણ સહયોગથી આ મહોત્સવનું સફળ સંચાલન થઈ રહ્યું છે. ધાર્મિક વિધિઓની સાથે-સાથે ચાર દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ઉજવાતો આ છઠ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ વિવિધ પ્રાંતના લોકો વચ્ચેની સાંસ્કૃતિક એકતા અને સામાજિક સદભાવનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here