નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના જાનકી આશ્રમ ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ દિવસ-2026’ અંતર્ગત ભવ્ય યુવા સંવાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જનજાતીય સમાજના યુવાનોને શિક્ષણ, રોજગાર, સામાજિક જાગૃતિ અને નશામુક્તિ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આંગણવાડીથી મેડિકલ કોલેજ સુધી શિક્ષણની સુવિધા: સાંસદ મનસુખભાઈ વસાવા
સંમેલનને સંબોધતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આંગણવાડીના પાયાથી જ પ્રયાસો કરી રહી છે. બાળકો કુપોષણમાંથી બહાર આવે અને તેમને શરૂઆતથી જ સારું શિક્ષણ મળે તે માટે સરકાર સતત ચિંતિત છે. તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ, EMRS (એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ), મોડેલ સ્કૂલો અને આદર્શ નિવાસી શાળાઓ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી આદિવાસી બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધી શકે.

વિકસિત ભારત-2047ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં સાંસદે કહ્યું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. યુવાનોને સરળતાથી રોજગારીની તકો મળી રહે તે માટે સરકાર વિવિધ વિભાગો દ્વારા સતત કાર્યરત છે. આ સાથે જ તેમણે યુવા પેઢીને વ્યસનથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સમાજના યુવા ધનને વ્યસનમાંથી બહાર કાઢવું અત્યંત જરૂરી છે, અને યુવાનો પોતાની શક્તિ તથા સમયનો સદુપયોગ કરી શિક્ષણ, કૌશલ્ય અને રોજગાર તરફ આગળ વધે તે આજના સમયની માંગ છે.

આ સંમેલનમાં જનજાતિ કલ્યાણ સંઘ આશ્રમના પ્રદેશ સંગઠન મંત્રી ફુલચંદભાઈ કોંકણી, નર્મદા પ્રાયોજના વહીવટદાર અમોલ આવટે, પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા, પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના સભ્ય અક્ષયભાઈ વસાવા સહિત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતિમ તબક્કામાં દેડિયાપાડા તાલુકાના આદર્શ યુવાનોના અનુભવો સાંભળવામાં આવ્યા હતા. યુવાનોએ પોતાના જીવનના અનુભવો, સંઘર્ષ અને સફળતાની સફર રજૂ કરી ઉપસ્થિત યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી.આ સમગ્ર યુવા સંવાદ સંમેલન દ્વારા જનજાતીય સમાજના યુવાનોમાં શિક્ષણ, આત્મનિર્ભરતા, રોજગારલક્ષી અભિગમ અને વ્યસનમુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here