ભરૂચ શહેરના કોલેજ રોડ વિસ્તારમાં આવેલા નર્મદા મૈયા બ્રિજ નીચેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃતક ભિક્ષુક હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, ભરૂચના કોલેજ રોડ પરથી પસાર થતા કેટલાક રાહદારીઓની નજર નર્મદા મૈયા બ્રિજ નીચે પડેલા એક વ્યક્તિ પર પડી હતી. આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની હલચલ કરતો ન હોવાથી રાહદારીઓને શંકા ગઈ હતી. જેથી સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક આ બાબતની જાણ શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરી હતી.
ઘટનાની જાણ થતા જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની સેવાભાવી ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું છે. માનવતા દાખવીને ધર્મેશ સોલંકીએ આ સમગ્ર ઘટના અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકને જાણ કરી હતી.
હાલ આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવવાની અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે. મૃતકની ઓળખ છતી કરવા અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે






