અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલા શિવદર્શન બંગલોઝમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1,92,360ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સફળતા મેળવી છે. પોલીસે ગહન તપાસના અંતે આ ગુનામાં સંડોવાયેલા બે તસ્કરોની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ગત 1 ઓક્ટોબરની રાત્રે મકાનમાલિક પરિવાર સાથે બહારગામ ગયા હતા. તે સમય દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી એક તોલાની સોનાની ચેઈન, કાળા મોતીવાળું મંગળસૂત્ર તેમજ સોનાની કડી મળીને કુલ 14 ગ્રામ સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી ભરૂચના 24 વર્ષીય અને 19 વર્ષીય બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક ગ્રીન સીટી સોસાયટી સામે આવેલી ઈલેક્ટ્રોનિક્સની દુકાન બહારથી બાઈકની ચોરી થઈ હતી. કાનવા ગામના વતની મનોજકુમાર વસાવા ગત 2 નવેમ્બરના રોજ દિવાળીની ખરીદી કરવા આવ્યા હતા ત્યારે અજાણ્યો ચોર તેમની પાર્ક કરેલી બાઈક હંકારી ગયો હતો. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બાઈક ચોરી અંગે રૂરલ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. સીસીટીવી અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે જીતાલી ગામની રાજહોમ સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 24 વર્ષીય યુવકની ચોરાયેલી બાઈક સાથે અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.





