દીવાળી અને છઠ પૂજા ફેસ્ટિવલ પર યાત્રીઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ 5 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહ્યું છે. અત્યાર સુધી મંડળ દ્વારા યુપી, બિહાર, કોલકાતા, ઉત્તર અને દક્ષિણ ભારત માટે ટ્રેનોની 37 થી વધુ ટ્રિપ સંચાલિત કરવામાં આવી ચૂકી છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને મંડળના ઉત્તરાણ રેલવે સ્ટેશનથી પણ 5 નવેમ્બરના રોજ લાલકુઆં માટે સ્પેશિયલ ટ્રેનની પહેલી ટ્રિપ ચાલશે.
વડોદરા મંડળના સ્ટેશનો પર યાત્રીઓની સુવિધાઓ અને ભીડ વ્યવ્સ્થાપનને ધ્યાનમાં રાખીને મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના માર્ગદર્શન હેઠળ વડોદરા અને છાયાપુરી રેલવે સ્ટેશન પર અધિકારીઓને વિશેષ ડ્યુટી સોંપવામાં આવી છે. આ ઉપરાંત મંડળના અંકલેશ્વર, આણંદ, ગોધરા, ભરૂચ અને નડિયાદ સ્ટેશનો પર વધારાના સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીના દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રિલીઝ મુજબ વડોદરા મંડળે વ્યાપક સુરક્ષા અને ભીડ વ્યવ્સ્થાપન યોજના હેઠળ યાત્રીઓની સુગમ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 6 પર 350 ચોરસ મીટર હેઠળ એક હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં યાત્રીઓ માટે પંખા અને બેસવા માટે ખુરશીઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત યાત્રીઓ માટે પીવાના પાણી અને આધુનિક મોડ્યુલર શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભીડની સચોટ અને વધુ સારી દેખરેખ માટે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ, એફઓબી, કોન્કોર્સ હોલ અને ટિકિટિંગ એરિયામાં 24 કલાક સીસીટીવી એક્સેસ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. સાથોસાથ રેલવે સુરક્ષા બળ, રાજકીય રેલવે પોલીસ અને હોમગાર્ડના જવાનોને સુરક્ષા વ્યવસ્થા વ્યવસ્થિત રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેમના દ્વારા ખાસ કરીને જનરલ કોચમાં લાઈનમાં યાત્રીઓને બેસાડવામાં આવી રહ્યા છે, એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા યાત્રીઓને ટ્રેનો અને સુરક્ષા નિયમોની સતત માહિત આપવામાં આવી રહી છે.
આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેશનો પર સમર્પિત મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત યાત્રીઓના માર્ગદર્શન માટે ફ્રન્ટ લાઇન સ્ટાફ દ્વારા હેલ્પ ડેસ્ક સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.





