ભરૂચના અંકલેશ્વર GIDC માં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.

આ ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા સામે ફરીથી સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ ફાયર ફાઈટર્સ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. દૂરથી પણ દેખાઈ આવે તેટલા વિશાળ માત્રામાં ધુમાડા જોવા મળતા આગની વિકરાળતાનો અંદાજ લગાવી શકાય છે.

કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલા કેમિકલ ભરેલા ડ્રમોમાં એક બાદ એક જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આજુબાજુની કંપનીઓને પણ આગની ઝપેટમાં આવવાનું જોખમ વધી ગયું હતું.

આગ એટલી વિકરાળ બની હોવાનું જાણવા મળી રહ્યું છે કે ઘટનાસ્થળથી અંદાજે 5 થી 7 કિલોમીટર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. કંપનીમાં રાખવામાં આવેલા ડ્રમોમાં થતા ધડાકાઓને કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત શરૂ કરી હતી. કેમિકલ ભરેલા ડ્રમોમાં વિસ્ફોટ થવાની સંભાવનાને પગલે આગ બુઝાવવાની કામગીરી પણ પડકારજનક બની હોવાનું જણાય છે.

હવે સૌથી મોટા સવાલો એ છે કે કંપનીમાં કયા પ્રકારના કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો? કેમિકલ ભરેલા ડ્રમોમાં ધડાકા થવાનું કારણ શું છે? કંપનીમાં ફાયર સેફ્ટી સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ પૂરતી હતી કે નહીં?તેમજ ક્યાં ચૂંક રહી ગઈ હોવાથી આગ લાગી છે તેની તપાસ ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

અંકલેશ્વર GIDC માં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિક સ્તરે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન થઈ રહ્યું છે કે કેમ, અને સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. હાલ ફાયર ફાઈટર્સ દ્વારા આગ ઓલવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here