અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં બોગસ જીએસટી અધિકારી બનીને આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી 34 લાખ રૂપિયાની મસમોટી લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને ઓઢવ પોલીસની સંયુક્ત તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ લૂંટની લૂંટફાટના નાણાંમાંથી મોંઘા શોખ પૂરા કરતા નવી કાર અને આઈફોન ખરીદ્યા હતા તેમજ અન્ય જગ્યાએ નાણાં સેરવ્યા હતા. પોલીસે આ મામલે આરોપીઓ પાસેથી રોકડ રકમ, ગુનામાં વપરાયેલી તથા ખરીદેલી ગાડીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ગત 21 ઓક્ટોબરના રોજ બાપુનગરમાં આવેલી એન.આર. આંગડિયા પેઢીમાં નોકરી કરતા કેતન પરીખ બેંકમાંથી 34 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઓઢવ બ્રિજ પાસેથી પસાર થતી વેળાએ એક કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ જીએસટી અધિકારી તરીકે આપી હતી અને કર્મચારીને વાહનમાં બેસાડી અપહરણ કરી રૂ. 34 લાખની રોકડ લૂંટી લીધી હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેમાં આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ પ્રીતમ ગોહિલ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મુખ્ય સૂત્રધાર પ્રીતમ ગોહિલે તેના પરિચિત વિશ્વજીત ગોસ્વામીને આ ગુનામાં સામેલ કર્યો હતો, જેણે આગળ વિકાસ ભારદ્વાજ નામના કારચાલકને પણ આ પ્લાનમાં જોડી દીધો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ અલગ-અલગ જગ્યાએ નાસી છૂટ્યા હતા. પ્રીતમ ગોહિલને તેનો હિસ્સો આપવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતા જોઈને તે પહેલા જ આરોપીઓ હિમાચલ પ્રદેશ ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપી પ્રીતમ ગોહિલના ભાઈ અમિત શેમડિયા દ્વારા હિમાચલ પ્રદેશમાં આ તમામ આરોપીઓને છુપાવવા માટે રહેવા અને જમવાની વ્યવસ્થાઓ કરી આપવામાં આવી હતી.





