નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કાલબી ગામથી શંભુનગરને જોડતા માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. આ માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે, પરંતુ કામગીરીની ગુણવત્તા અને વાસ્તવિક અમલીકરણ સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. રસ્તાની હાલત જોતા ખરેખર કામ થયું છે કે પછી માત્ર કાગળ પર જ વિકાસ દર્શાવવામાં આવ્યો છે? તેવા સવાલો હાલ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી આ માર્ગની દુર્દશાને કારણે કાલબી, કાકરપાડા, આંબાવાડી, કેવડી તેમજ શંભુનગર સહિત આસપાસનાં અનેક ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકોને જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ખેડૂતો અને બીમાર લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ સરકાર વિકાસનાં નામે વિવિધ કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને ગામડાંના વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની આવી દયનીય સ્થિતિ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

હવે સવાલ સંબંધિત માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ તથા સ્થાનિક વહીવટી તંત્ર સામે છે કે આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે કે પછી ગ્રામજનોને આવી જ હાલાકીમાં જીવવા મજબૂર કરવામાં આવશે?

વિકાસના દાવાઓ વચ્ચે ગ્રામ્ય રસ્તાઓની આ દયનીય સ્થિતિ ક્યારે સુધરશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? હવે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here